મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

બેટા રાહુલ ગાંધી, હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથી

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન

મુંબઇ તા.૧૫: કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી વિશે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં ચૂંટણીસભાને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ' બેટા રાહુલ ગાંધી, હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથી.'

એ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ નેશનલિસ્ટ કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. બુલઢાણામાં ભાજપ-શિવસેના ગઠબંધનના ઉમેદવાર માટે વોટ માંગતા ઉદ્ધવ ઠાકરેએ લોકોને પૂછયું હતું કે શું દેશદ્રોહીઓને પોતાની નજીક રાખનારાઓને તમે ચૂંટશો? આ સીટ પર વર્તમાન સંસદસભ્ય પ્રતાપરાવ ગણપતરાવ જાધવ માટે મત માગતા ઉદ્ધવ ઠાકરેએ રેલીનું આયોજન કર્યું હતું. એ દરમિયાન ભાજપના એક પણ દિગ્ગજ નેતા મંચ પર નહોતા.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે. લોકસભાની ચૂંટણીમાં શિવસેના ૨૩ અને ભાજપ રપ બેઠક પર ચૂંટણી લડશે, જયારે વિધાનસભાની ચૂંટણીમાં ૫૦-૫૦ની ફોર્મ્યુલા છે.

(12:30 pm IST)