મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

ચોકીદાર શબ્દનો ઉપયોગ ચુંટણીમાં વધુ થઈ શકે છે

ભાજપ અને કોંગ્રેસ બંને શબ્દનો ઉપયોગ કરશે : મેં ભી ચોકીદારના નવા વિડિયોની સામે કોંગ્રેસના પ્રહાર

નવી દિલ્હી, તા. ૧૬ : લોકસભા ચુંટણીમાં આ વખતે ચોકીદાર શબ્દનો ઉપયોગ વધારે જોવા મળે તેવી શક્યતા છે. એકબાજુ ભાજપે આજે મેં ભી ચોકીદાર વીડિયો લોન્ચ કરીને પ્રચારની શરૂઆત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ આને લઈને વળતા પ્રહાર કર્યા છે. મોદી પોતાની રેલીમાં પોતાને ચોકીદાર કહેતા રહ્યા છે. ત્યારબાદ રાફેલ ડીલમાં ગેરરીતિન આક્ષેપ કરીને રાહુલ ગાંધી ચોકીદાર ચોર હે કહેવાની શરૂઆત કરી ચુક્યા છે. હવે આનો સામનો કરવા માટે ભાજપે નવા વીડિયો જારી કરીને મેં ભી ચોકીદાર વીડિયો રજુ કરી દીધા છે. રાહુલ ગાંધીએ એક ફોટો શેર કરીને આજે તેમાં કેટલીક લાઈનો લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે. મોદીને હવે અપરાધી હોવાની વાત અનુભવાઈ રહી છે. રાહુલે જે ફોટો પોસ્ટ કર્યો છે તેમાં મોદીની સાથે અન્ય કેટલાક નેતાઓ છે. જેમાં બેંક કૌભાંડના આરોપી નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યાનો સમાવેશ થાય છે. આમાં ગૌતમ અદાણી અને અનિલ અંબાણી પણ નજરે પડે છે. કોંગ્રેસના સીનિયર નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે ૧૦ લાખ રૂપિયાના વસ્ત્રો પહેરનાર, નિરવ અને મહેલુ અને માલ્યાને મદદ કરનાર, સરકારી ખજાનાથી પોતાના પ્રચાર પર ૫૨૦૦ કરોડ રૂપિયા લૂંટાવી દેનાર, પ્રજાના પૈસાથી ૮૪ વિદેશ પ્રવાસો કરીને ૨૦૧૦ કરોડ રૂપિયા ઉડાવી દેનાર અને રાફેલમાં ૩૦ હજાર કરોડ રૂપિયાની ચોરી કરનાર એક જ ચોકીદાર છે. લોકસભા ચુંટણીના પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસે પોત પોતાની રીતે આક્રમક તૈયારી કરી લીધી છે. વર્ષ ૨૦૧૪માં પૂર્વ કેન્દ્રિય મંત્રી મણિશંકર ઐયરના ચાવાળા નિવેદનને લઈને હોબાળો થયો હતો અને કોંગ્રેસને મોટી પીછેહટનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસ વધુ સાવધાન છે.

 

 

 

 

(7:32 pm IST)