મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

મદ્રાસ હાઇકોર્ટનો રાજકીય પક્ષોને આદેશ જાહેરસભાઓ માટે વાહનો થકી ટોળા ભેગા ન કરો

ચેન્નાઇ તા. ૧૬ :.. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે ગુરૂવારે રાજકીય પક્ષોને સુચના આપી છે કે લોકસભા ચૂંટણી માટેની પ્રચાર રેલીઓમાં ભાડાના વાહનોમાં લોકોના ટોળા ન લાવવા. કોર્ટે આ સુચના મદુરાઇના એક એકટીવીસ્ટ કે કે રમેશની જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન આપી હતી.

જસ્ટીસ એન કીરૂબાકરન અને જસ્ટીસ એસ એસ સુંદરની બેંચે કહયું હતું. રાજકીય પક્ષોએ પોતાની રેલી માટે ભાડાની ટ્રકો, બસો અને વાન દ્વારા ટોળાઓ ન લાવવા જોઇએ., કોર્ટે રાજકીય પક્ષોને નોટીસ મોકલીને ર૭ માર્ચ પહેલા તેમના જવાબ આપવા જણાવ્યું છે.કોર્ટે એક વચગાળાનો હુકમ આપતા રાજકીય પક્ષોને કહયું છે તેમણે જાહેર જગ્યાઓએ પોતાના બેનર ન લગાવવા. જજોએ કહયું, રાજકીય ફલેક્ષ બેનર, કેન્વાસ બોર્ડ વગેરે જાહેર જગ્યાઓ પર કોઇપણ પક્ષે ન લગાવવા. કોર્ટે ચૂંટણી પંચને પણ સુચના આપી છે કે મત માટે રોકડ નાણા વહેંચતા લોકો સામે સખ્ત પગલા લેવા.કોર્ટના આ આદેશ સામે અમે અરજી કરીશું. એવું ડીએમકેના રાજય સભાના સભ્ય અને વકીલ એવા આર. એસ. ભારતીએ જણાવ્યું હતું. તેમણે કહયું કે રેલી માટે અમારી પોતાની  રણનીતિ છે, અમે કાઉન્ટર પીટીશન ટૂંક સમયમાં દાખલ કરીશું.રાજકીય વિશ્લેષકોએ કોર્ટની સુચના ને આવકારી હતી અને સમયસરની ગણાવી હતી.

(2:24 pm IST)