મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

૫૦,૦૦૦થી વધુની રોકડ પકડાશે તો થશે પૂછપરછ

ચૂંટણીમાં કાળાનાણાનો દુરૂપયોગ રોકવા ચૂંટણી પંચ મેદાને

નવી દિલ્હી, તા. ૧૬ :. લોકસભા ચૂંટણીમાં કાળાનાણાના દુરૂપયોગને રોકવા માટે આવક વેરા વિભાગ સક્રિય બની ગયો છે. તેના માટે આવક વેરા વિભાગ તરફથી એક ખાસ સેલ બનાવાયો છે. આ ઉપરાંત એક કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે, જે ચૂંટણી પુરી થાય ત્યાં સુધી દરરોજ ૨૪ કલાક ખુલ્લો રહેશે. સામાન્ય માણસ પણ કાળાનાણાના દુરૂપયોગ સંબંધી માહિતી આપી શકે તેના માટે વિભાગ તરફથી એક ટોલ ફ્રી નંબર પણ બહાર પડાયો છે.

આવક વેરા વિભાગના ખાસ સેલમાં તહેનાત એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે સામાન્ય રીતે કોઈ વ્યકિત રોકડા ૫૦ હજાર સુધી લઈને જતો હોય તો તેને પકડાશે નહીં કે તેની પૂછપરછ પણ નહીં કરાય, પણ કોઈ વ્યકિત ૫૦ હજારથી વધારેની રોકડ સાથે પકડાશે તો તેને રૂપિયાના સ્ત્રોત અને તેના ઉદ્દેશ બાબતે પૂછપરછ કરવામાં આવશે. સંતોષકારક જવાબ ન મળે તો તેના રૂપિયા જપ્ત કરીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવશે.

બીજે એક અધિકારીએ જણાવ્યુ કે ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગ કરવા અને મતદારોને પૈસા આપવા જેવી ફરીયાદો માટે આવકવેરા વિભાગ તરફથી ઈલેકશન એકસપેન્ડીચર મોનીટરીંગ સેલ (ઈઈએમસી) બનાવવામાં આવ્યો છે. આ સેલ તરફથી બધી બેંકોને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ખાતામાંથી ૧૦ લાખથી વધારે રોકડ રકમ ઉપાડવામાં આવે અથવા જમા કરાવવામાં આવે તો તેની માહિતી તે જ દિવસે આવક વેરા વિભાગને અને સંબંધિત જીલ્લા ચૂંટણી અધિકારીને આપવાની રહેશે.

આવક વેરા વિભાગે ગઈ લોકસભા ચૂંટણીની જેમ જ આ વખતે પણ કેન્દ્રીય અને રાજ્યવાર ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે. આ નંબરો પર કોઈ પણ વ્યકિત ચૂંટણી દરમ્યાન કાળાનાણાના ઉપયોગની માહિતી આપી શકે છે. દિલ્હી માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૦૧૩૨ અને ૧૮૦૦૧૧૭૫૫૪ છે. પંજાબ અને ચંડીગઢ માટે ૧૮૦૦૧૮૦૪૮૧૪ છે. મુંબઈના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૧૫૧૦ અને બિહાર માટે ૧૮૦૦૧૧૦૧૩૨ છે. (૨-૨)

(10:31 am IST)