મુખ્ય સમાચાર
News of Sunday, 16th February 2020

જામિયા લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની દંબગાઈનો વીડિયો વાયરલ

તમામ વીડિયોની તપાસ કરવામાં આવશે.

નવી દિલ્હી : દિલ્હીનાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં બે મહિના પહેલા પોલીસે જે 'તોડફોડ' કરી રહી હતી તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા જારી કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળ પુસ્તકાલયમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપર ડંડાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઘણા પોલીસકર્મી લાયબ્રેરીમાં પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરે છે. વિદ્યાર્થીઓનાં હાથમાં પુસ્તકો પણ દેખાય છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે જામિયા વિદ્યાર્થીઓ નાગરિકતા અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા હતા અને તે દિવસે હિંસા થઈ હતી.

       જામિયા કોઓર્ડિનેશન કમિટીએ આ વીડિયો પર કહ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં બતાવાયુ છે કે પોલીસ દળ રાજ્ય પ્રાયોજિત હિંસા કરી રહી છે. જામિયાનાં વિદ્યાર્થીઓ રીડિંગ હોલમાં તેમની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ઉપર દંબગાઈ કરી હતી. આ વીડિયો પર દિલ્હી પોલીસે કહ્યું છે કે આ વીડિયોમાં કેટલાક માસ્ક પહેરેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. જામિયા કોર્ડિનેશન કમિટી આ વીડિયોને શનિવારથી જ વાયરલ કરી રહી છે. પોલીસ એમ પણ કહે છે કે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી દેવામાં આવી હતી. આ તમામ વીડિયોની તપાસ કરવામાં આવશે.

(11:46 pm IST)