મુખ્ય સમાચાર
News of Saturday, 16th February 2019

પોકમાં ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા કેટલાક વિકલ્પો

ટેરર કેમ્પ, લોન્ચપેડ, અડ્ડાઓ ફુંકવા વિકલ્પો : હવાઈ હુમલા સૌથી શ્રેષ્ઠ-અસરકારક વિકલ્પ હોઈ શકે

નવી દિલ્હી,તા. ૧૬ : પુલવામામાં આતંકવાદી હુમલા બાદથી અંકશુરેખા પર ભારતે જોરદાર લશ્કરી જમાવટ કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ પણ તેના એલર્ટના સ્તરને વધારી દેવામાં આવ્યા બાદ સ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની ગઈ છે. જોકે જાણકાર લોકો માની રહ્યા છે કે સરકારને પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે મર્યાદિત ક્રોસ બોર્ડર જુમલાને લઈને વિકલ્પો પર ગંભીરતાથી વિચારવું જોઈએ. લશ્કરી વિકલ્પ રહેલા છે જે પૈકી ટુંકા ગાળાની કાર્યવાહી વધારે ઉપયોગી છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓના અડ્ડાઓ સામે હવાઈ હુમલાઓના વિકલ્પને સરકાર અપનાવીને આગળ વધી શકે છે. સુરક્ષા સંસ્થાઓમાં પણ એવી સહમતી છે કે ખુબજ સાવચીતેપૂર્વક હવાઈ હુમલા સૌથી મહત્વપૂર્ણ વિકલ્પ રહી શકે છે. સાથે સાથે પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા આ જ ઓપરેશન ઉપયોગી રહેશે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતે ગ્રાઉન્ડ આધારીત સર્જિકલ હુમલા કર્યા હતા. જેમાં પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડાઓને ફુંકી મરાયા હતા. સુખોઈ-૩૦ વિમાન, મિરાજ-૨૦૦, જગુઆર જેવા યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરીને હુમલા કરવામાં આવી શકે છે. સ્માર્ટ ગાઈડેડ બોમ્બ અને મિસાઈલનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અંકુશરેખા નજીક આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડને ફુંકી મારવા માટે આનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનની એરસ્પેસમાં ઘુસી જઈને હુમલાની આ રીત સફળ સાબિત થઈ શકે છે. નામ જાહેર નહીં કરવાની શરતે એક અધિકારીએ કહ્યું છે કે આ પ્રકારના હવાઈ હુમલા માટેની તૈયારીનો સમય ઓછો હોય છે. બ્રહ્મોસ સુપર સોનિક ક્રુસ મિસાઈલ પણ આ પ્રકારના હુમલા માટે ઉપયોગી રહી શકે છે. જેના ભાગરૂપે પાકિસ્તાનની આર્મી પોસ્ટ, ટેરર કેમ્પ, લોન્ચ પેડ અને તેમના અડ્ડાઓને ફુંકવામાં મદદ મળી શકે છે.

જોકે આ પ્રકારની કવાયતમાં જવાબી કાર્યવાહી માટે પાકિસ્તાન તરફથી જોખમ પણ રહેલું છે. પાકિસ્તાન સાથે રાજદ્વારી બાબત કામ કરી રહી નથી. કારણ કે ચીન પાકિસ્તાનનો ટેકો ધરાવે છે.

(7:51 pm IST)