મુખ્ય સમાચાર
News of Saturday, 16th February 2019

૪૦ શહીદ અંતિમ સફર પર નિકળ્યા : શ્રધ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા

શહિદોને શ્રદ્ધાંજલિ આપવા જોરદાર ધસારો : પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનના ઘરમાં ગમ, આઘાત અને આક્રોશનું મોજુ ફેલાયુ

નવી દિલ્હી,તા. ૧૬: જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનો આજે તેમની અંતિમ સફર પર નિકળ્યા હતા. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ શરીરને શુક્રવારે દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્રણેય સેનાના વડા, સંરક્ષણ પ્રધાન તેમજ અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ  પ્રમુખ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. સંપૂર્ણ રાજકીય રીતે સન્માન આપવામાં આવ્યા બાદ તેમના પાર્થિવ શરીને તેમના વતન ગામમાં લઇ જવા માટેની તૈયારી કરવામાં આવી હતી. તમામના પાર્થિવ શરીરને તેમના વતન ગામમાં આજે લઇ જવામાં આવ્યા બાદ લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઉત્તરપ્રદેશના ૧૨ જવાનો આ હુમલામાં શહીદ થયા હતા. તમામના પાર્થિવ શરીરને તેમના વતન ગામ પહોંચાડી દેવામાં આવ્યા બાદ ગામમાં ગમ અને આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. પરિવારમાં પહાડ તુટી પડે તેવી સ્થિતી જોવા મળી હતી. મોડેથી તમામના પરિવારના સભ્યોએઅ તેમની વિધી મુજબ અંતિમસંસ્કાર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં લોકો ઉમટી પડ્યા હતા.નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ  એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.  ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.  વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.  જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને તક મળતાની સાથે જ સ્થાનિક લોકોની મદદથી હુમલાને અંજામ આપવામાં સફળ રહે છે. (૯.૧૬)

 

(3:18 pm IST)