મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

ડો રેડ્ડીઝ લેબોરેટરીને ભારતમાં સ્પુટનિક V ના ફેઝ- 3 ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી

ભારતમાં સ્પુટનિક વીનો ફેઝ 3 અધ્યયન 1500 સબ્જેક્ટ પર લેવામાં આવશે

નવી દિલ્હી : ભારતમાં ત્રીજી કોરોના વેક્સીન જલ્દી આવી શકે છે. દિગ્ગ્જ ફાર્મા કંપની ડો રેડ્ડીઝ લેબોરેટરીઝને ભારતમાં Sputnik V વેક્સીન માટે ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) ની મંજૂરી મળી છે. ભારતમાં સ્પુટનિક વીનો ફેઝ 3 અધ્યયન 1500 સબ્જેક્ટ પર લેવામાં આવશે તેમ હૈદરાબાદ સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અગાઉ ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (DSMB) એ વેક્સીનના ફેઝ 2 ક્લિનિકલ ટ્રાયલમાંથી સલામતી ડેટાની સમીક્ષા કરી હતી અને ફેઝ 3 ની ભલામણ કરી હતી. DSMBએ તારણ કાઢ્યુંહતું કે સલામતીની કોઈ ચિંતા નથી અને આ અભ્યાસ સલામતીના પ્રાથમિક મુદ્દાને પૂર્ણ કરે છે.

રેડ્ડીઝ લેબોરેટરીઝના સહ-અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર જી વી પ્રસાદે કહ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે એક મહિનાની અંદર ફેઝ 3 અભ્યાસ શરૂ કરીશું અને ભારતીય લોકો માટે સલામત અને અસરકારક રસી લાવવાના અમારા પ્રયત્નોને ઝડપી રાખીશું.

સપ્ટેમ્બર 2020 માં, ડો રેડ્ડીએ સ્પુટનિક વીની રસીના ક્લિનિકલ ટ્રાયલ કરવા અને ભારતમાં તેના વિતરણ અધિકારો માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભાગીદારી કરી.

ગ્મેલેયા નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત સ્પુટનિક વી ગત ઓગસ્ટમાં રશિયાના આરોગ્ય મંત્રાલય દ્વારા રજીસ્ટર્ડ કરાઈ હતી એસ્ટાબ્લિસ્ડ હ્યુમન એડિનોવાયર વેક્ટર પ્લેટફોર્મના આધારે કોવિડ -19 સામે વિશ્વની પ્રથમ રજીસ્ટર રસી બની હતી.

(11:05 am IST)