મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

સ્નેપડીલથી દિલ્હીના પાલિકા બજાર: અમેરિકાએ દેશના 4 માર્કેટને ગણાવ્યા નકલી પ્રોડક્ટ્સની પીઠું

વિશ્વભરના કુલ 39 ઓનલાઈન માર્કેટ પ્લેસનું નામ સામેલ: સ્નેપડીલ પર સૌથી વધુ નકલી માલ

નવી દિલ્હી : યુનાઈટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા નકલી અને પાઈરેટેટ સામાન માટે  વગોવાયેલા માર્કેટની યાદી જાહેર કરી છે. જેમાં ભારતના ચાર બજારો સહીત  સ્નેપડીલ  જેવી ઈ-કોમર્સ માર્કેટ પ્લેસનું પણ નામ સામેલ છે.

USTRના “2020 રિવ્યૂ ઑફ નૉટોરિયસ માર્કેટ્સ ફૉર કાઉન્ટરફીડ એન્ડ પ્રાઈવસી”ની યાદીમાં મુંબઈના હીરા પન્ના, કોલકત્તાના કિડરપુર અને દિલ્હીના પાલિકા બજાર  અને ટેન્ક રોડનું નામ છે. પહેલા આ યાદીમાં આઈઝોલના મિલિનિયમ સેન્ટર્સનું નામ પણ હતું, પરંતુ હવે તેની જગ્યાએ પાલિકા બજારનું નામ આવી ગયું છે. આ યાદીમાં વિશ્વભરના એવા 34 બજારોનું નામ સામેલ છે.

 

નકલી કે પાઈરેટેડ માલ-સામાન વેચવા મામલે ઈ-માર્કેટ  પણ પાછળ નથી. આ યાદીમાં ભારતના સૌથી મોટા ઈ-કૉમર્સ પ્લેટફોર્મમાંથી એક સ્નેપડીલનું પણ નામ છે. આ યાદીમાં વિશ્વભરના કુલ 39 ઓનલાઈન માર્કેટ પ્લેસનું નામ સામેલ છે.આ વખતની યાદીમાં પ્રથમ વખત અમેરિકાએ નકલી માલ-સામાનની  આયાતને પ્રોત્સાહન આપવા મામલે ઓનલાઈન માર્કેટની  ભૂમિકા પર અલગથી ચેપ્ટર આપ્યું છે.

 

આ અંગે USTRના અધ્યક્ષ રૉબર્ટ લાઈટાઈઝરનું કહેવું છે કે, વર્તમાન સમયમાં સૌથી મોટું જોખમ નકલી અને પાઈરેટેડ સામાનની  આયાતનું છે. જે અમેરિકન પ્રોડક્ટ્સ મેન્યૂફેક્ચર કરનારા અને ગ્રાહક બન્નેને નુક્સાન પહોંચાડી રહ્યું છે.

યુનાઈટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)એ કહ્યું કે, સ્નેપડીલ ચિંતાનું મુખ્ય કારણ બની છે. નવેમ્બર-2018ના એક સર્વેમાં 37 ટકા ગ્રાહકોએ સ્નેપડીલ પર નકલી માલ વેચાતો હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે જુલાઈ-2019માં સ્નેપડીલના ફાઉન્ડર્સ પર ભારતમાં નકલી પ્રોડક્ટ વેચવાનો આરોપ લાગ્યો હતો.

અમેરિકન અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલા નકલી માલ-સામાનમાંથી મોટાભાગના ચીન કે હોંગકોંગમાં બન્યા છે. જો કે આ સમસ્યા વૈશ્વિક બની છે, જપ્ત કરવામાં આવેલા સામાનમાંથી 92 ટકા નકલી પ્રોડક્ટ્સ વિદેશી બજારોમાંથી આવી છે. જેમાં ચીન અને હોંગકોંગ ઉપરાંત ભારત, સિંગાપુર, થાઈલેન્ડ, તૂર્કી અને UAE જેવા દેશો પણ સામેલ છે.

(12:00 am IST)