મુખ્ય સમાચાર
News of Sunday, 15th December 2019

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તેમની સામેના મહાભિયોગની પ્રક્રિયાને ખોટી ગણાવી તેમને કઇ ખોટુ નહિ કર્યાનો બચાવ કરે છે

વૉશિંગ્ટન,: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ છે. તે અંગે ટ્રમ્પે વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીની આકરી ઝાટકણી કાઢીને આ પ્રક્રિયાને ષડયંત્ર ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે મેં એવું કોઈ જ ખોટું પગલું ભર્યું નથી કે જેના કારણે મારા ઉપર મહાભિયોગની પ્રક્રિયા ચલાવવી પડે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં કશું જ ખોટું કર્યું નથી, મારા પર પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવી અયોગ્ય છે. ડેમોક્રેટિક નફરતની પાર્ટી બની ગઈ છે અને તે દેશ માટે ખતરનાક બની ચૂકી છે.

તે પહેલાં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતી વખતે કહ્યું હતું કે મહાભિયોગની પ્રક્રિયા ખરેખર તો એક છળકપટ છે. તેની શરૂઆત બહું પહેલા થઈ ચૂકી હતી. મહાભિયોગનો પ્રયોગ બહુ ભયાનક છે, તેનો ઉપયોગ માત્ર કટોકટીમાં થવો જોઈએ. આવું કરીને વિપક્ષ તેની અસરકારકતા ખતમ કરે છે.

ટ્રમ્પે કહ્યું હતું કે એક દિવસ એવો ય આવશે કે રાષ્ટ્રપતિ ડેમોક્રેટિક પાર્ટીનો હશે અને હાઉસમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી હશે. ત્યારે હું જે કહી રહ્યો છું એ તેમને યાદ આવશે. કારણ કે જ્યારે તમે મહાભિયોગનું શસ્ત્ર કોઈ જ કારણ વગર ઉપયોગમાં લઈ રહ્યાં છો, તો ભવિષ્યમાં બીજા પણ તેનો આવો જ ઉપયોગ કરી શકે છે. એનાથી મહાભિયોગની અસરકારકતા ઘટી જશે અને તેનું કોઈ જ મહત્વ રહેશે નહીં.

ટ્રમ્પ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનું ચિત્ર સ્પષ્ટ થયું તે પછી અકળાયેલા ટ્રમ્પે બે કલાકમાં 123 ટ્વીટ્સ કરી હતી. ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયાને મંજૂરી મળ્યા પછી ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી, મીડિયા અને મહાભિયોગની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને આ તમામ ટ્વીટ્સ કરી હતી.

એ સાથે જ પ્રમુખ બન્યા પછી એક દિવસમાં સૌથી વધુ ટ્વીટ કરવાનો રેકોર્ડ પણ ટ્રમ્પે તોડયો હતો. મહાભિયોગની પ્રક્રિયા થવાની છે એ જાણ્યા પછી શરૂ થયેલા આ ટ્વીટ સેશનમાં ટ્રમ્પે મીડિયાને ટેગ કરીને કટાક્ષ કર્યો હતો કે હવે મીડિયા પણ આ વાતથી બહુ ખુશ હશે. ટ્રમ્પે સતત આ પોસ્ટમાં મહાભિયોગની પ્રક્રિયાને ગેરકાયદે ચલાવવામાં આવી રહી હોવાનો પક્ષ રજૂ કર્યો હતો.

(11:36 am IST)