મુખ્ય સમાચાર
News of Saturday, 15th December 2018

રાફેલ : પેરામાં કરેકશનની માંગ કરી સુપ્રિમમાં અરજી

કેગ રિપોર્ટ-પીએસી ઉલ્લેખને લઈ રજુઆત : કેન્દ્ર સરકાર વતી કોર્ટને ધ્યાન દોરવા માટે અરજી કરાઈ

નવી દિલ્હી, તા.૧૫ : કેન્દ્ર સરકારે આજે રાફેલ ફાઈટર જેટ ડીલ અંગે તેના ચુકાદાના પેરેગ્રાફમાં કરેકશનની માંગ કરીને સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં કેગના રિપોર્ટ અને પીએસી અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લો ઓફિસરે કહ્યું છે કે કોર્ટને એમ દર્શાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે કે કેગ અને પીએસી સાથે સંબંધિત સીલ કવરમાં રજુ કરવામાં આવેલા દસ્તાવેજના મુદ્દા પર કેટલીક ખોટી બાબત છપાઈ છે. શુક્રવારના દિવસે ચુકાદામાં સુપ્રિમ કોર્ટ ેકહ્યું હતું કે કેગ સાથે અને કેગના રિપોર્ટની ચકાસણી પીએસી દ્વારા કરવામાં આવી છે. કેગ સાથે કિંમતોની આપ લે કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાના પેરા-૨૫માં કેગ અને પીએસીના મુદ્દાનો ઉલ્લેખ કરાયો છે જેમાં ઠેરવવામાં આવ્યું છે કે ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ જેટની પ્રાપ્તિમાં કોઈ ગેરરીતિ નથી. ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે રજુ કરવામાં આવેલી ચીજો દર્શાવે છે કે કેન્દ્ર સરકારે તમામ બાબતોને યોગ્ય રીતે આગળ વધારી હતી. શુક્રવારના દિવસે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસના નેતા અને પીએસીના ચેરમેન મલ્લાકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેમની સમક્ષ આવો કોઈપણ મામલો આવ્યો નથી. આવી સ્થિતિમાં રાફેલના મુદ્દા પર વિવાદ હજુ પણ આગળ વધે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટીને મોટી પીછેહટ સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સાંપડી હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના લોકો રાફેલના મુદ્દા પર સુપ્રિમ કોર્ટના ચુકાદાને સ્વીકારવા માટે હજુ તૈયાર દેખાઈ રહ્યા નથી. હવે સરકાર તરફથી કેગ રિપોર્ટ અને પીએસીનો ઉલ્લેખ કરનાર સુધારા પેરાની માંગ કરીને રજુઆત કરી છે. સરકાર સુપ્રિમ કોર્ટમાં સુધારા કરવાની રજુઆત કરી ચુકી છે જેના પર હવે સુનાવણી કરવામાં આવે તેવી શક્યતા છે. મોદી સરકાર આને મોટી સફળતા તરીકે ગણે છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને મોટી પીછેહટ સાંપડી છે.

(7:53 pm IST)