મુખ્ય સમાચાર
News of Monday, 15th November 2021

દારૂ પીશો તો મરશો, આ વાત પ્રચારિત કરવા અપીલ

ઝેરી શરાબને લઈને મોત પર મુખ્યમંત્રી નીતિશ કુમાર ઘેરાયા : બિહારમાં લઠ્ઠાકાંડ મામલે વિરોધીઓ ઉપરાંત ભાજપની પણ દારૂબંધીના કાયદા અંગે પુનર્વિચાર કરવાની માગણી

નવી દિલ્હી, તા.૧૫ : બિહારમાં દારૂબંધી છતાં ઝેરી શરાબના કારણે થઈ રહેલા મૃત્યુને લઈ મુખ્યમંત્રી નીતિશ કુમાર સતત ઘેરાઈ રહ્યા છે. નીતિશ કુમાર સોમવારે રાજકીય દળો પર ભડકી ઉઠ્યા હતા અને દારૂબંધી મામલે કેટલાક લોકો તેમના વિરૂદ્ધ થઈ ગયા હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે રાજકીય દળોએ 'દારૂ પીશો તો મરશો' વાત પ્રચારિત કરવી જોઈએ તેમ કહ્યું હતું.

ગત સપ્તાહે બિહારના ગોપાલગંજ ખાતે ઝેરી દારૂ પીવાના કારણે આશરે ૪૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ નીતિશ કુમારને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લઠ્ઠાકાંડ મામલે વિરોધીઓ ઉપરાંત તેમના સહયોગી ભાજપે પણ દારૂબંધીના કાયદા અંગે પુનર્વિચાર કરવાની માગણી કરી હતી.

સતત રાજકીય પાર્ટીઓના નિશાન બની રહેલા નીતિશ કુમારે અકળાઈને કહ્યું કે, દારૂબંધી તમામ દળોની સર્વસંમતિથી લાગુ કરવામાં આવી છે પરંતુ કેટલાક લોકો હવે મારી વિરૂદ્ધ થઈ ગયા છે.

નીતિશ કુમારના કહેવા પ્રમાણે લોકોએ દારૂ કેટલી ખરાબ વસ્તુ છે તે સમજવું જોઈએ. તેમના મતે દારૂબંધી અંગે ફરી વ્યાપક જાગૃતતા અભિયાન ચલાવવાની જરૂર છે.

(7:30 pm IST)