મુખ્ય સમાચાર
News of Monday, 15th November 2021

૧ વર્ષ પહેલા કરતા નફો ૪૬.૪ ટકા વધ્યો

ઉદ્યોગજગત માટે 'અચ્છે દિન' : રેકોર્ડબ્રેક કમાણી

બેંકો, નોન બેંકીંગ નાણા કંપનીઓ, વીમા, ઓઇલ અને ગેસ તથા ધાતુની કંપનીઓના નફામાં ઉછાળો

મુંબઇ તા. ૧૫ : દેશની ટોચની લીસ્ટેડ કંપનીઓએ ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસીકમાં અત્યાર સુધીનો સૌથી વધારે નફો મેળવ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસીકમાં આ કંપનીઓનો નફો એક વર્ષ પહેલાના આ જ સમયગાળાથી ૪૬.૪ ટકા વધીને ૨.૩૯ લાખ કરોડ રૂપિયા રહ્યો. બેંકો, નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓ, વીમા, ઓઇલ અને ગેસ, ધાતુ અને માઇનીંગ ક્ષેત્રની કંપનીઓના નફામાં ઉછાળાના કારણે એકીકૃત લાભ વધ્યો છે.

આ ક્ષેત્રોની કંપનીઓનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૮૭ ટકા વધીને ૧.૫૩ લાખ કરોડ રહ્યો જે એક વર્ષ પહેલા ૮૨,૦૦૦ કરોડ રૂપિયા હતો. ચાલુ વર્ષના પહેલા ત્રિમાસીકમાં આ ક્ષેત્રની કંપનીઓનો કુલ નફો ૧.૦૮ લાખ કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર ત્રિમાસીકમાં કંપનીઓની કુલ નફા વૃધ્ધિમાં આ ક્ષેત્રની કંપનીઓનું યોગદાન ૯૪ ટકા રહ્યું છે. બીજી બાજુ ઉદ્યોગજગતની બાકી કંપનીઓનો નફો સપ્ટેમ્બર ત્રિમાસીકમાં ફકત ૫.૩ ટકા વધીને ૮૫,૩૦૦ કરોડ રૂપિયા રહ્યો, જે નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ત્રીજા ત્રિમાસીકના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી લગભગ ૧૦ ટકા ઓછો છે.

લગભગ એક દાયકામાં પહેલીવાર વધારે નફો કરનારી ટોચની ત્રણ કંપનીઓમાં જીન્સ અને ઉર્જા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ છે. ઓએનજીસી આ યાદીમાં ટોચ પર છે અને તેનો ચોખ્ખો નફો ગયા વર્ષની સમાન અવધી કરતા ૫૬૫ ટકા વધીને ૧૮,૩૮૪ કરોડ રૂપિયા રહ્યો છે. બીજા ત્રિમાસીકમાં કંપનીઓનો કુલ નફા વધારામાં તેનું યોગદાન ૨૧ ટકા રહ્યો હતો ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ૪૩ ટકા વધીને ૧૩૬૮૦ કરોડ રૂપિયા અને ટાટા સ્ટીલનો નફો ૬૬૧ ટકા વધીને ૧૧૯૧૮ કરોડ રૂપિયા રહ્યો છે.

ચાલુ વર્ષના બીજા ત્રિમાસીકમાં વધારે નફો કમાનારી કંપનીઓમાં જેએસડબલ્યુ સ્ટીલ (૩૫૦ ટકા વધારો), એસબીઆઇ (૬૯ ટકા), સેલ (૯૯૪ ટકા), વેદાંત (૪૫૧ ટકા) અને જીંદાલ સ્ટીલ (૨૦૯ ટકા) મુખ્ય છે. જે મોટી કંપનીઓનો નફો વધારે ઘટયો છે અથવા નુકસાન વધ્યું છે તેમાં ટાટા મોટર્સ, ઇન્ટર ગ્લોબ એવીએશન, અદાણી પાવર, મારૂતી સુઝુકી અને હીરો મોટોકોપ મુખ્ય છે.

(10:07 am IST)