મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

૧૯૯ મહિને પાછા મળ્યા ચોરાયેલા ૩૦૦ રૂપિયા

મુંબઇ તા. ૧પ :.. વરિષ્ઠ પત્રકાર ડોકટર સંજય પ્રભાકર માટે ૧૬ વર્ષ અને ૭ મહિના પહેલાં ચોરાયેલા ૩૦૦ રૂપિયા પાછા  મળવા એ આનંદ સાથે સુખદ આશ્ચર્યની વાત હતી. સંજય પોતે પણ વિશ્વાસ નહોતા કરી શકતા કે મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર ૧૬ વર્ષ પહેલાં ખિસ્સાકાતરુએ ચોરેલા પાકીટમાંના પૈસા આટલા વર્ષ પછી તેમને પાછા મળશે. મુંબઇ સેન્ટ્રલ જીઆરપીએ છેલ્લા બે મહિનામાં ૪પ૦ કિસ્સામાં આરોપી પાસેથી જપ્ત કરેલી મિલકત તેના માલિકો સુધી પહોંચાડી છે.

ડોકટર સંજય મુંબઇ સેન્ટ્રલ રેલ્વે પોલીસ  પાસેથી તેમના પૈસા પાછા લેવા ગયા ત્યારે મુંબઇ સેન્ટ્રલ જીઆરપીના સિનીયર ઇન્સ્પેકટર શૈલેન્દ્ર ધિવારે જણાવ્યું હતું કે 'રેલ્વે કમિશનરના આદેશ અનુસાર અમે લોકોને તેમની ચોરાયેલી વસ્તુ પાછી સોંપવાની વિશેષ ઝૂંબેશ શરૂ કરી છે અને છેલ્લા બે મહિનામાં લગભગ ૪પ૦ લોકોને તેમની મિલ્કત પાછી સોંપી છે. પોતાના પૈસા પાછા મળ્યાનો જે આનંદ લોકોના ચહેરા પર જોવા મળે છે એ અવર્ણનીય હોય છે.'

(11:32 am IST)