મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વકફ બોર્ડના ચેરમેને ૫૧૦૦૦ રૂપિયા આપ્યા

લખનઉ, તા.૧પઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિજવીએ ગુરુવારે અયોધ્યામાં બનનાર રામ મંદિર માટે ૫૧૦૦૦ રૂપિયા આપવાની દ્યોષણા કરી છે. રિઝવીએ કહ્યું કે રામ મંદિરને વકફ બોર્ડનું સમર્થન છે. અમે અયોધ્યામાં રામ મંદિર બનાવવાના સુપ્રીમ કોર્ટના ફેસલાનું સ્વાગત કરીએ છીએ, પાછલા કેટલાય દશકાથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો, આ વિવાદ પર કોર્ટે જે ફેસલો આપ્યો છે તે બહુ સારો છે, આનાથી સારો ફેસલો સંભવ નહોતો.

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવૈધાનિક પીઠે એક મતથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પક્ષમાં પોતાનો ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે વિવાદિત સ્થળને રામ મંદિર માટે આપી દેવા કહ્યું હતું. આના માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જેની સાથે જ કોર્ટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવા પણ કહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ જમીન અયોધ્યાના કોઈ મહત્વના વિસ્તારમાં હોવી જોઈએ.

રિજવીએ કહ્યું કે રામ જન્મસ્થાન પર હવે મંદિર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભગવાન રામ આપણા પૂર્વજ છે, મુસલમાનોના પણ છે, જેથી ૫૧૦૦૦ રૂપિયાનું દાન આપવાનો ફેસલો લીધો છે. આ દાન રામ જન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે આપવામાં આવશે. એટલું જ નહિ જયારે પણ રામ મંદિર બનવું શરૂ થશે શિયા વકફ બોર્ડ આના નિર્માણમાં મદદ કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારત અને દુનિયાભરમાં રહેતા રામભકતો માટે ગર્વનો વિષય છે.

(10:22 am IST)