મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

મહારાષ્ટ્રમાં BJPના સોગટા ગોઠવાઇ ગયા? બેઠક બાદ નેતા બોલ્યાઃ જય શ્રીરામ, થઇ ગયું કામ

શું ભાજપને જે જાદુઇ નંબરની જરૂર હતી તે મળી ગયો છે? શું ભાજપ સરકાર બનાવાની તરફ આગળ વધી રહ્યું છે

મુંબઇ, તા.૧પઃ મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું હોય પરંતુ સરકાર બનાવા માટે જોર અજમાવાનું હજુ પણ ચાલુ છે. તમામ પાર્ટીઓ સતત બેઠકો કરી રહી છે અને સરકાર બનાવાની કોશિષમાં છે. કોંગ્રેસ-એનસીપી-શિવસેનાની બેઠક બાદ ગુરૂવારનું રોજ ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક થઇ, આ બેઠકમાં ભાગ લીધા બાદ જયારે ભાજપ નેતા આશિષ શેલ્લાર બહાર આવ્યા તો તેમણે મીડિયાને માત્ર એટલું જ કહ્યું કે, 'જય શ્રીરામ, થઇ ગયું કામ'.

ભાજપની કોર કમિટીની આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સિવાય પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ, આશિષ શેલ્લાર, પંકજા મુંડે, ગિરીજ મહાજન સહિત પાર્ટીના કેટલાંય નેતા સામેલ છે. મોટાભાગના નેતા બેઠક પત્યા બાદ ખુશ દેખાયા, પરંતુ આશિષ શેલ્લારના નિવેદનની ખૂબ ચર્ચા થવા લાગી.

હવે એવામાં આશિષ શેલ્લારના આ નિવેદન પરથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે શું ભાજપને જે જાદુઇ નંબરની જરૂર હતી તે મળી ગયો છે? શું ભાજપ સરકાર બનાવાની તરફ આગળ વધી રહ્યું છે?

એકબાજુ ભાજપ નેતા જોશની સાથે ભરેલા દેખાઇ રહ્યા છે તો બીજીબાજુ ભાજપના પૂર્વ સાથી શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવામાં લાગી ગયું છે. ગુરૂવારના રોજ ત્રણેય પાર્ટીઓ એક જ મંચ પર આવ્યા અને સંયુકત પત્રકાર પરિષદ કરી, જેમાં તેમણ કહ્યું કે અમારો મિનિમમ શેર પ્રોગ્રામ લગભગ તૈયાર છે અને સરકાર બનાવાની તરફ જ પગલાં ભરાશે.

જો કે ગઠબંધન સરકાર બને છે તો મુખ્યમંત્રી કોણ બનશે, કેટલા સમય માટે હશે અને કંઇ પાર્ટીનો પહેલાં મુખ્યમંત્રી હશે આ બધા પ્રશ્નોના જવાબ હજુ સુધી મળ્યા નથી.

રાજયમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલની વચ્ચે ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા નિતિન ગડકરીનું નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કંઇપણ શકય છે, કયારેક તમને લાગે છે કે તમે મેચ હારી રહ્યા છો પરંતુ રિઝલ્ટ આખું ઉલ્ટુ થઇ જાય છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે સરકાર કોની બનશે એ ખબર નથી, હું અત્યારે દિલ્હીથી આવ્યો છું અને રાજયના રાજકારણ અંગે તેમની પાસે કોઇ માહિતી નથી.

(10:22 am IST)