મુખ્ય સમાચાર
News of Friday, 15th October 2021

આર્યને જેલમાંથી શાહરુખ-ગૌરીને કર્યો વિડીયો કૉલ

શાહરુખ તથા ગૌરી ખાન સાથે વાત કરી હતી : આર્યન ખાને ૧૦ મિનિટ સુધી વાત કરી : ૧૨ દિવસમાં પહેલી વખત માતા-પિતા સાથે વાત કરવાની તક મળી

મુંબઈ, તા.૧૫ : બોલિવૂડ કિંગ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને વિવાદિત મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અત્યારે જામીન નહીં મળવાના કારણે તે મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે. મુંબઈ સેશન કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યો છે અને હવે ૨૦ ઓક્ટોબરે નિર્ણય કરશે. જેલની અંદર દરેક કેદીને એક નંબર આપવામાં આવે છે. આર્યન ખાનને ૯૫૬ નંબર આપવામાં આવ્યો છે. એટલે કે આર્યન ખાનને કેદી નંબર ૯૫૬ બોલાવાશે.

મળતી માહિતી મુજબ, ગુરુવારે આર્યન ખાનને ૧૨ દિવસમાં પહેલી વખત માતા-પિતા સાથે વાત કરવાની તક મળી હતી. આર્યન ખાને વિડીયો કોલથી માતા ગૌરી ખાન અને પિતા શાહરુખ ખાન સાથે વાત કરી હતી.

ગત વર્ષે કોરોનાકાળમાં જેલ ઓથોરિટીએ કેદીઓ માટે ખાસ સુવિધા ઊભી કરી હતી કે જેમાં કેદીઓ પોતાના પરિવાર અને વકીલ સાથે સંપર્ક કરી શકે. આર્યન ખાને માતા ગૌરી ખાનનો નંબર આપ્યો હતો. વિડીયો કોલના માધ્યમથી આર્યન ખાને લગભગ ૧૦ મિનિટ સુધી માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યાંના ધોરણો મુજબ, અંડરટ્રાયલ કેદી, જેલ પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં તેના પરિવાર અથવા વકીલ સાથે મહિનામાં ૨ અથવા ૩ વખત વાત કરી શકે છે.

આર્યન ખાનને જેલની અંદર ૧૧ ઓક્ટોબરે ૪૫૦૦ રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પિતા શાહરુખ ખાને મોકલ્યો હતો. આર્યન ખાને આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર ૪૫૦૦ રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે.

રિપોર્ટ અનુસાર, આર્યન ખાન જેલમાં ગયો છે ત્યારથી એક કોળિયો પણ જેલના ભોજનનો નથી ખાધો. આર્યનને જેલનો ખોરાક પસંદ નથી આવી રહ્યો.

(8:48 pm IST)