મુખ્ય સમાચાર
News of Friday, 15th October 2021

ખાદ્યતેલના ભાવ ઘટાડો : કેન્દ્રનો રાજ્યોને પત્ર

અમે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી હવે તમે ધડાધડ પગલા લ્યો

નવી દિલ્હી તા. ૧૫ : અન્ન અને જાહેર વિતરણ વિભાગે મોટો તેલ ઉત્પાદક રાજ્યોને ખાદ્ય તેલના ભાવોને નીચે લાવવા માટે યોગ્ય અને તાત્કાલિક પગલા લેવા માટે લખ્યું છે.

અન્ન વિભાગના એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, આ નિર્દેશ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશને મોકલી અપાયા છે.

પત્રમાં કહેવાયું છે કે, કેન્દ્ર દ્વારા ઘટાડવામાં આવેલ આયાત ડયુટીનો લાભ પુરેપુરો ગ્રાહકોને મળે અને તહેવારોની સીઝન દરમિયાન ખાદ્ય તેલના ભાવ વધારાથી તેમને રાહત મળે તે માટે રાજ્ય સરકારોએ જરૃરી પગલા લેવા.

સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, આનાથી ખાદ્ય મોંઘવારીને નીચી લાવવામાં અને સામાન્ય ઉપભોકતાને ખાદ્યતેલના ભાવમાં કિલોએ લગભગ ૧૫ થી ૨૦ રૃપિયાના ઘટાડાનો લાભ મળશે.

છેલ્લા એક વર્ષથી ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારાથી કેન્દ્ર સરકારે ક્રુડ પામ ઓઇલ, ક્રુડ સોયાબીન ઓઇલ અને ક્રુડ સનફલાવર ઓઇલની બેઝીક ડયુટી ૨.૫ ટકાથી ઘટાડીને શૂન્ય કરી દીધી છે. તો આ બધા તેલ પર કૃષિ સેસ ૨૦ ટકાથી ઘટાડીને ક્રુડ પામ ઓઇલ માટે ૭.૫ ટકા અને સોયાબીન ઓઇલ અને સનફલાવર ઓઇલ માટે ૫ ટકા કરી દેવાઇ છે. પામોલીન તેલ, રીફાઇન્ડ સોયાબીન તેલ અને રીફાઇન્ડ સનફલાવર તેલ પરની બેઝીક ડયુટી ૩૨.૫ ટકાથી ઘટાડીને ૧૭.૫ ટકા કરી દેવાઇ છે.(૨૧.૭)

(10:27 am IST)