મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

કાલથી પર્યટકો માટે ખુલશે બોમ્બે હાઈકોર્ટની ઐતીહાસિક ઈમારત: વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં મળ્યુ છે સ્થાન

નવા પ્રવાસીઓને દર એક કલાક પછી બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી:ધરોહર યાત્રા’ નામ અપાયું

મુંબઈ :બોમ્બે હાઈકોર્ટ બિલ્ડિંગ 16 ઓક્ટોબરથી હેરિટેજ પ્રેમીઓ માટે ખોલવામાં આવશે. તેનાથી મુંબઈમાં પ્રવાસનને વેગ મળશે. હાઇકોર્ટ બિલ્ડિંગને સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવું એ પ્રવાસનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહારાષ્ટ્ર સરકારનું મહત્વનું પગલું છે. આ માહિતી  એક અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ મુંબઈ હાઇકોર્ટ અને પ્રવાસી માર્ગદર્શક સંઘના સહયોગથી પ્રવાસન નિયામક (DoT) દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે.

DoT એ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રવાસીઓ સપ્તાહના અંતે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બિલ્ડિંગની મુલાકાત લઈ શકશે. આ દરમિયાન, એક કલાક સુધી બિલ્ડિંગમાં રહેવાની પરવાનગી આપવામાં આવશે. નવા પ્રવાસીઓને દર એક કલાક પછી બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. તેને ‘ધરોહર યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે શનિવાર અને રવિવારે મરાઠી, અંગ્રેજી અને હિન્દીમાં કુલ ત્રણ ‘ધરોહર યાત્રાઓ’ યોજવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે ભારતીય પ્રવાસીઓ માટે ‘ધરોહર યાત્રા’ની ટિકિટ 100 રૂપિયા લેવામાં આવશે. આમાં ટેક્સ પણ લગાવવામાં આવશે. જ્યારે વિદેશી પ્રવાસીઓ પાસેથી ટિકિટ તરીકે 200 રૂપિયા લેવામાં આવશે. જેમાં ટેક્સ પણ અલગથી વસૂલવામાં આવશે. અગ્ર સચિવ (પ્રવાસન) વલસા નાયર સિંહે જણાવ્યું હતું કે બોમ્બે હાઇકોર્ટ બિલ્ડિંગના સમૃદ્ધ વારસા, ઇતિહાસ અને સ્થાપત્ય વિશે જાગૃતિ લાવવા માટે, વિભાગે સંબંધિત અધિકારીઓની મંજૂરી અને માર્ગદર્શન સાથે ‘ધરોહર યાત્રા’ પ્રસ્તાવિત કરી છે.

બોમ્બે હાઇકોર્ટ દેશની સૌથી જૂની હાઇકોર્ટમાંની એક છે. તેનું ઉદ્ઘાટન 14 ઓગસ્ટ, 1862 ના રોજ થયું હતું. જ્યારે, હાલની ઇમારતનું કામ એપ્રિલ 1871 માં શરૂ થયું હતું અને નવેમ્બર, 1878 માં પૂર્ણ થયું હતું. તેને 2018 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવવામાં આવ્યું હતું. હવે મહારાષ્ટ્ર સરકાર તેને પ્રવાસીઓ માટે ખોલવા જઈ રહી છે. તેનાથી મુંબઈમાં પ્રવાસનને વેગ મળશે.

(12:12 am IST)