મુખ્ય સમાચાર
News of Tuesday, 15th October 2019

હવે પાણી ઉપર 'સર્જીકલ સ્ટ્રાઇક' રોકાશે પાકિસ્તાન જતુ પાણી

વડાપ્રધાન મોદીએ હરીયાણાની દાદરી રેલીમાં પાકિસ્તાન વિરૂધ્ધ વધુ એક આકરૂ પગલું લેવાનીવાત જણાવી : પાકિસ્તાન જતુ નદીઓનું પાણી રોકી દેવાશેઃએ દિશામાં કામ ચાલુ છેઃ હરીયાણા-રાજસ્થાન-પંજાબના ખેડુતોનો હક છે તેમને અપાશે

ચરખી દાદરી/કુરૂક્ષેત્ર, તા., ૧પઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી યોજાયેલી એક રેલીમાં પાકિસ્તાન વિરૂધ્ધ એક વધુ મોટુ પગલું ભરવાની વાત જણાવી છે. તેમણે પાકિસ્તાન વિરૂધ્ધ હવે 'પાણી પર સર્જીકલ' સ્ટ્રાઇકના સંકેતો આપ્યા છે. તેમણે કહયું છે કે પાકિસ્તાન જતું નદીઓનું પાણી રોકવામાં આવશે. આ દિશામાં કામ થઇ રહયું છે અને ટુંક સમયમાં જ ત્યાં જતું પાણી આપણા ખેડુતોને મળવા લાગશે. આ પાણી ઉપર હરીયાણા, પંજાબ અને રાજસ્થાનનો હક્ક છે. વડાપ્રધાને કહયંુ છેકે હરીયાણાના લોકોએ ફેંસલો કરી લીધો છે. જનતાએ ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવાનો ફેંસલો લઇ લીધો છે. તેમણે કહયું છે કે આ દિવાળી દીકરીઓની દીવાળી હોવી જોઇએ. એક દીવાવાળી દિવાળી અને બીજી કમળવાળી.

પી.એમ. મોદીએ કહ્યું કે ૭૦ વર્ષ સુધી હિન્દુસ્તાનના ભાગનું પાણી પાકિસ્તાન જતું હતું. તેમણે કહ્યું કે હવે ખેડૂતોના હિસ્સાનું પાણી પાકિસ્તાન જવા દઇશું નહીં. પાકિસ્તાન જતા પાણીને મોદી રોકશે. પીએમ મોદીએ કહ્યું કે જનતાએ નિર્ણય લઇ લીધો છે કે ભાજપ ફરીથી હરિયાણાની સેવા કરે. તેમણે કહ્યું કે હું બે દિવસથી હરિયાણામાં છું. હવાની દિશા કયાંની છે. તે સ્પષ્ટપણે જાણી શકાય છે. ભાજપ ફરીથી હરીયાણાની સેવા કરે તેવો નિર્ણય જનતાએ લઇ લીધો છે.

પીએમ મોદીએ કહ્યું કે રાજયમાં કયારેક બે-ત્રણ સીટોવાળી ભાજપ આજે હરીયાણામાં સતત બીજીવાર સરકાર બનાવવાની સ્થિતિમાં તમારા બધાના આશીર્વાદ અને પ્રેમને કારણે પહોંચી છે. પવિત્રતા પરિશ્રમ અને ઇમાનદારી પર આજે હરિયાણાની જનતા મહોર લગાવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે હરિયાણામાં હું ચૂૂંટણી સભા માટે આવતો નથી, કે ન તો હું પ્રચાર માટે આવું છું કે ન તો મત માંગુ છું. તેમણે કહ્યું કે હરિયાણા મને ખેંચીને લઇ આવે છે. એટલો પ્રેમ તમે મને આપ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે હું તમારા લોકોના આશીર્વાદ લેવા અને તમને નમન કરવા આવું છું. મને અહીંથી એક ઉર્જા મળે છે.

તેમણે જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ નાબુદી અંગે કહયું હતું કે, કોંગ્રેસના લોકો દ્વારા મને જેટલી ગાળો આપવી હોય એટલી અપાઇ પણ દેશ વિરૂધ્ધ ન બોલો કોંગ્રેસમાં હિંમત હોય તો એક વખત કહે કે અમે સતા પર આવશુ તો કલમ ૩૭૦ પાછી લાવશું. તેમણે કહયું હતું કે આ પ્રકારની વાતો કરનાર પક્ષને સવાઇ સજા મળવી જોઇએ. સરકારની નિષ્ઠા અતુટ હોય તો જ આવા નિર્ણયો રાષ્ટ્ર હીતમાં લેવાતા હોય છે.

(5:38 pm IST)