મુખ્ય સમાચાર
News of Tuesday, 15th October 2019

અયોધ્યા કેસ : સુપ્રીમમાં સુનાવણી અંતિમ દોરમાં

હવે શુભ સમય આવી ગયો છે : મહંત સંભવિત નિર્ણયના લીધે જિલ્લામાં ૧૦મી ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગૂ કરી દેવાઈ : સલામતી વ્યવસ્થા મજબૂત

નવીદિલ્હી, તા. ૧૪ : અયોધ્યા મામલમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં છેલ્લા તબક્કાની સુનાવણી વચ્ચે ભગવાન રામની નગરીમાં જીવન સામાન્યરીતે ચાલુ રહ્યું છે. કોર્ટના નિર્ણય આવવાની ઉત્તેજનામાં લોકોમાં ચર્ચા છેડાઈ ગઈ છે. આ તમામ વચ્ચે અયોધ્યા અને તેનાથી નજીક ફૈઝાબાદમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વહીવટીતંત્ર માટે આગામી બે  મહિના ખુબ પડકારજનક થનાર છે. સંભવિત નિર્ણયને જોતા જિલ્લામાં ૧૦મી ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ અમલી કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દશેરાની સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં સોમવારે અંતિમ તબક્કાની સુનાવણી થઈ રહી છે. જેમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે, શ્રદ્ધાથી જમીન ન મળી જાય, સ્કન્દ પુરાણથી અયોધ્યાની જમીનનો અધિકાર ન મળી જાય.બંધારણ બેચમાં સુનાવણીનો આ ૩૮મો દિવસ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં તંત્રએ કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.

             ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ૫ જજોની બેંચે આ પ્રશ્નનું સમાધાન કાઢવા માટે મધ્યસ્થા પ્રક્રિયાના નિષ્ફળ થયા પછી ૬ ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરાતી હતી. સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના નિર્ણય વિરુદ્ધ ૧૪ અપીલ પર સુનાવણી કરી રહી છે. બેંચે આ મામલે કોર્ટની કાર્યવાહી પુરી કરવાની સીમાની સમીક્ષા કરી હતી અને તેના માટે ૧૭ ઓક્ટોબરનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ અંદાજે ચાર સપ્તાહની અંદર નિર્ણય લેવામાં આવશે. બેંચના સભ્યોમાં જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભૂષણ અને નઝીર પણ સામેલ છે. કોર્ટે અંતિમ તબક્કાની દલીલો માટે કાર્યક્રમ નક્કી કરતા કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષ ૧૪ ઓક્ટોબર સુધી પોતાની દલીલ પુરી કરશે અને ત્યારબાદ હિન્દુ પક્ષકારોને જવાબ આપવા માટે ૧૬ ઓક્ટોબર સુધી ૨ દિવસનો સમય આપવામાં આવશે. સુનાવણી ૧૭ ઓક્ટોબરે ખતમ થઈ શકે છે.

                   તેના આશરે એક મહિના પછી એટલે કે ૧૭-૧૮ નવેમ્બરે ચુકાદો આવી શકે છે. આ મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે, જે ડિસેમ્બર સુધી લાગુ રહી શકે છે. મોડી રાતે જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, અયોધ્યા-ફૈઝાબાદ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી સંગઠિત, સામુહિક કાર્યક્રમો કે મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે. જોકે, દિવાળીના તહેવારો દરમિયાન અયોધ્યાનું વિશેષ મહત્વ હોવાથી ત્રણ દિવસ માટે આ નિર્ણયનો અમલ હળવો કરાશે. ઉલ્લેખનિય છે કે, ૧૭ ઓક્ટોબર સુધીમાં બંને પક્ષો પોતાની દલીલો પૂર્ણ કરી લે એ પછી એકાદ મહિના સુધીમાં ચૂકાદો આવે એવી સંભાવના છે. આ શકવર્તી ચૂકાદાની સંભવિત અસરો ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર તકેદારીના પગલાં લઈ રહ્યું છે. સુરક્ષાકર્મીઓની પહેલી ટુકડી આવતાં અઠવાડિયે અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં કામ કરી ચૂકેલા વરિષ્ઠ અધિકારીઓને પણ વિશેષ ફરજ પર હાજર રહેવાના આદેશ કરી દેવાયા છે.

(12:00 am IST)