મુખ્ય સમાચાર
News of Monday, 15th October 2018

નાગપુરના શેફે બનાવી ૩૦૦૦ કિલો ખીચડી

રેકોર્ડબ્રેકઃ ખીચડીને રાષ્ટ્રીય વાનગીનું બિરુદ અપાવવા

નાગપુર તા.૧૫: ગઇકાલે નાગપુરના ચિટનીસ પાર્કમાં જાણીતા શેફ વિષ્ણુ મનોહરે ૩૦૦૦ કિલો ખીચડી બનાવીને  વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ ઇવેન્ટની તૈયારીઓ ચાલી રહી હતી અને જયારે ગઇકાલે ખીચડી બનીને તૈયાર થઇ ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહયા હતા. ખીચડી બનાવવા માટે ૨૭૫ કિલો ચોખા, ૧૨૫ કિલો મગ અને ૧૦૦ કિલો ઘી તેમજ ગાજર, વટાણા જેવાં લગભગ ૫૦૦ કિલો શાકભાજી વપરાયાં હતા. હળદર, મરચું અને મીઠું જેવા મસાલાનું વજન લગભગ ૫૦ કિલો જેટલું હતંુ. જે વાસણમાં ખીચડી બનાવવામાં આવી હતી એ પણ જબરદસ્ત રેકોર્ડબ્રેક સાઇઝનું હતું. ૧૧ ફુટ વ્યાસ અને ત્રણ ફુટ હાઇટનું સ્ટીલનું વાણસ તૈયાર કરવામાં આવ્યું હતું જેની જાડાઇ ૨૦ ઇંચની હતી. માત્ર આ વાસણનું વજન જ ૫૧૦ કિલો જેટલું હતું. જાયન્ટ કદની કડાઇમાં ખીચડી હલાવવા માટેના ચમચા પણ જાયન્ટ અને કુલ ૧૫૦ કિલો સ્ટીલમાંથી બન્યા હતા. શેફ વિષ્ણુ મનોહરે તેમની ટીમ સાથે ગઇકાલે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ખીચડી બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. શાકભાજી સમારવાનું અને દાળ-ચોખા પલાળવાનું કામ આ પહેલાં જ થઇ ગયું હતું. ત્યારબાદ શેફે એકલાએ આ ખીચડી પકવી હતી. ખીચડી પકવવા માટે લભભગ બે ટ્રેકટર ભરીને લાકડાં વપરાયાં હતાં. લગભગ પાંચ કલાકમાં ખીચડી પાકીને તૈયાર થઇ ગઇ હતી. મૈત્રી પરિવાર સંસ્થા અને સાંઇ સેવક સંસ્થા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦૦૦ કિલો ખીચડી લગભગ ૮૦૦૦ લોકોને પૂરતી થઇ પડી હતી. આ પહેલા શેફ સંજીવ કપૂરે દિલ્હીમાં ૯૧૮ કિલો ખીચડીનો રેકોર્ડ બનાવ્યો હતો. શેફ વિષ્ણુ મનોહરે કહ્યું હતું કે 'મારે મને રેકોર્ડ મહત્ત્વનો નથી, પરંતુ આ રેકોર્ડ દ્વારા હું ફરી એક વખત અપીલ કરવા માગું છું કે ખીચડીને ભારતી રાષ્ટ્રીય વાનગી ઘોષિત કરવામાં આવે. બાળક જન્મે એ પછી પહેલા ખોરાક તરીકે ખીચડી અપાય છે અને વૃદ્ધો માટે પણ ખીચડી જ ઉત્તમ હોય છે. સસ્તી હોવા છતાં સોૈથી પોષક વાનગી હોવાથી એને રાષ્ટ્રીય વાનગી બનાવવી જોઇએ.' (૧.૪)

 

 

(11:54 am IST)