મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

દેશમાં ગુનાખોરી બેફામ : દરરોજ 80 લોકોની હત્યા: 77 દુષ્કર્મની ઘટના : ક્રાઇમમાં યુપી ટોચના સ્થાને

2020 માં દેશમાં 29193 લોકોની હત્યા : યુપીમાં સૌથી વધારે 3779 લોકોની હત્યા: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોંકાવનારા આંકડા

 

નવી દિલ્હી : દેશમાં  2020 માં દરરોજ 80 અને કુલ 29193 લોકોની હત્યા થઈ છે , નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ બુધવારે જાહેર કરેલા આંકડા પરથી જાણકારી મળી છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર, ક્રાઈમ મામલે યુપી દેશમાં ટોચના સ્થાને છે. 2019 ની તુલનામાં હત્યા કેસમાં 1 ટકાનો વધારો થયો છે. 2019 માં દરરોજ સરેરાશ 79 અને કુલ 28,915 હત્યા થઈ હતી.

2019 ની તુલનામાં 2020 માં અપહરણના કેસોમાં 19 ટકાનો ઘટાડો આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવતા એનસીઆરબીના આંકડા જણાવે છે કે 2020 માં અપહરણના કુલ 84,805 કેસો નોંધવામાં આવ્યાં જ્યારે 2019 માં 1,05,036 કેસો નોંધાયા હતા. આંકડામાં જણાવ્યાનુસાર, 2020 માં યુપીમા હત્યાના 3779 કેસો નોંધાયા હતા. ત્યાર બાદ બિહારમાં હત્યાના 3150, મહારાષ્ટ્રમાં 2163, મધ્યપ્રદેશમાં 2102 અને બંગાળમાં 1948 કેસો નોધાયા હતા.

દિલ્હીમાં 2020 માં હત્યાના 472 કેસો નોંધાયા હતા. ગત વર્ષએ દિલ્હી સહિત આખા ભારતમાં કોરોના લોકડાઉન અમલી હતું તેમ છતાં સૌથી વધારે હત્યાઓ થઈ હતી. ગત વર્ષે જે લોકો હત્યાનો ભોગ બન્યા તેમાં 38.5 ટકા 30-45 વર્ષના, જ્યારે 35.9 ટકા 18.-30 વર્ષના હતા 

2020 માં યુપીમાં અપહરણના સૌથી વધારે 12913 કેસો નોધાયા ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં 9309, મહારાષ્ટ્રમાં 8103, બિહારમાં 7889, મધ્યપ્રદેશમાં 7320, કેસો નોંધાયા હતા. કેસોમાં મોટાભાગના 56591 પીડિત બાળકો હતા

(10:42 pm IST)