મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખનાર આરોપી ઉપર મિનિસ્ટરનો આક્રોશ : બાળકીની હત્યા કરનારાને આકરી સજા મળવી જોઈએ : ધરપકડ કરી એન્કાઉન્ટર કરી નાખવાની ચીમકી


હૈદરાબાદ : તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી  હત્યા કરી નાખનાર આરોપી ઉપર લેબર મંત્રી મલ્લા રેડ્ડીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તથા જણાવ્યું છે કે  બાળકીની હત્યા કરનારાને આકરી સજા મળવી જોઈએ . સાથોસાથ તેમણે આરોપીની ધરપકડ કરી એન્કાઉન્ટર કરી નાખવાની પણ ચીમકી આપી છે.

આ ઘટનાને લઈ હૈદરાબાદના લોકો રોષે ભરાયા છે અને આરોપીને ભારેથી અતિ ભારે સજા આપવા માગણી કરી રહ્યા છે. લોકોને મંત્રીએ વિશ્વાસ અપાવ્યો કે, તેઓ ટૂંક સમયમાં જ પીડિતાના પરિવારની મુલાકાત લેશે અને તેમને મદદ કરશે. તેઓ પરિવારની દરેક પ્રકારે મદદ કરવા ઈચ્છે છે. આ વાતને જ આગળ વધારતા તેમણે એન્કાઉન્ટરની વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આરોપીને છોડશે નહીં.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરના રોજ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. એક બંધ ઘરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ કેસમાં બાળકીની પાડોશમાં રહેતા 30 વર્ષીય શખ્સને શોધી રહી છે. પોલીસની 15 ટીમો તે વ્યક્તિને શોધી રહી છે. આ ઘટનાને લઈ તેલંગાણાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપ્યો છે અને પોલીસ પર જલ્દી એક્શન લેવાનું દબાણ વધ્યું છે. આરોપી ઉપર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)