મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ઉમ્રકેદ મતલબ આજીવન કઠોર કારાવાસઃ સુપ્રીમ કોર્ટ

આજીવન કારાવાસની સમીક્ષા કરવાનો કર્યો ઇન્કાર

નવી દિલ્હી, તા.૧૫: સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યુ છે કે ઉમરકેદનો અર્થ આજીવન કઠોર કારાવાસની સજા જ છે. સુપ્રીમે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં નાથૂરામ ગોડસેના નાના ભાઇના કેસ સહિત વિભીન્ન ચૂકાદાઓમાં એ પહેલા જ સ્પષ્ટ કરી દેવાયું છે. આ સાથે જ કોર્ટે આ કેસની ફરીથી સમિક્ષા કરવાની ના પાડી દીધી હતી.

જસ્ટીસ એલએનરાવ અને જસ્ટીસ બીએનગવઇની બેંચે બે અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરતા આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંને અરજીઓ ફગાવી દીધી હતી. આ બંને અરજીઓ હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા પામેલા બે આરોપીઓ તરફથી ખાસ પરવાનગી અરજી રજૂ કરાઇ હતી. બંને એ જાણવા માંગતા હતા કે તેમને અપાયેલ આજીવન કારાવાસની સજાને આજીવન કઠોર કારાવાસ તરીકે ગણવી જોઇએ?

બેંચે સુનાવણીનો ઇન્કાર કરીને સુપ્રીમ દ્વારા અપાયેલ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. બેંચે કહ્યું કે ૧૯૬૧માં નાથુરામ ગોડસેના નાના ભાઇ ગોપાલ વિનાયક ગોડસે વિરૂધ્ધ મહારાષ્ટ્ર કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આજીવન કારાવાસની સજાને આજીવન કઠોર કારાવાસ સમાન ગણવો જોઇએ. અત્રે ઉલ્લેખનિય છે કે ગોપાલ વિનાયક ગોડસેને મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં ૧૯૪૯માં દોષીત ગણાવાયો હતો અને તેને આજીવન કારાવાસની સજા ફરમાવાઇ હતી.

અરજી રજૂ કરનારાઓમાંથી એક હિમાચલ પ્રદેશનો રાકેશકુમાર હતો. રાકેશને તેની પત્નિની હત્યાના કેસમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે.

(1:11 pm IST)