મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

કોરોના કેસોમાં ફરી ઉછાળો

૨૪ કલાકમાં ૨૭,૧૭૬ સંક્રમિતઃ ૨૮૪ દર્દીનાં મોત

ભારતમાં કોરોનાથી જીવ ગુમાવનારા કુલ દર્દીઓની સંખ્યા ૪,૪૩,૪૯૭એ પહોંચી

નવી દિલ્હી, તા.૧૫: ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી વધુ ૨૭ હજાર લોકો સંક્રમિત થયા છે. જોકે, કેરળમાં કેસોની સંખ્યા ઘટીને ૧૫ હજારે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં  ઘટાડો જોવા મળી રહ્યો છે અને એકિટવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭,૧૭૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૮૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૩,૧૬,૭૫૫ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૫,૮૯,૧૨,૨૭૭ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૧૫,૬૯૦ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૫ લાખ ૨૨ હજાર ૧૭૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૮,૦૧૨ દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૫૧,૦૮૭ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૪૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૬૦,૫૫,૭૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૬,૧૦,૮૨૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:42 am IST)