મુખ્ય સમાચાર
News of Sunday, 15th September 2019

સરકાર પાસે દ્રષ્ટિ નથી, અભૂતપૂર્વ સંકટ આવી શકે છે : કોંગ્રેસ

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાની સુસ્તી અંગે નાણામંત્રી  નિર્મલા સીતારામને યોજેલી પત્રકાર પરિષદને કોંગ્રેસે નિરાશાજનક અને નિરસ ગણાવી હતી. અને એવા આક્ષેપ કર્યાે હતો કે મંત્રીશ્રી આ સંકટ સંબંધે બેખબર છે તેમજ તેમાંથી ઉગારવાને સરકાર પાસે કોઇ દ્રષ્ટિ નથી.

પક્ષના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યુ હતુ કે જો આવી જ સ્થિતિ રહેશે તો થોડા જ માસમાં  અર્થવ્યવસ્થાના મોરચે દેશે અભૂતપુર્વ સંકટનો સામનો કરવો પડશે. તે માટે સરકારનો અહંકાર જવાબદાર રહેશે. દેશની અર્થવ્યવસ્થાને સંકટમાંથી ઉગારી લેવાની દિશામાં  આગળ વધવામા આવી રહ્યાની પ્રતિતિ કરાવી શકે તેવા પગલા નથી લેવાયા.

શમૌએ દાવો કર્યો છે કે સરકાર પાસે દ્રષ્ટિ નથી. ર૩ ઓગષ્ટે જે ઘોષણા થઇ હતી તે પછી કંઇ થયુ નહી સંજોગો સુધારવાને બદલે ખરાબ થતા ગયા. વાહનોના વેચાણમાં ઘટાડો થતો ચાલ્યો અને લાખો લોકોની નોકરીઓ પણ છૂટી ગઇ.

વડાપ્રધાને પાંચ વર્ષમા અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલીયન ડોલરના આંકે લઇ જવાની વાત કરી છે, એવી કઇ જાદુની લાકડી છે જેના થકી દેશ આટલા ઓછા સમયમાં તે આંકે પહોંચી જઇ શકે.

આ સરકારની જે પણ આલોચના કરે છે તેને રાષ્ટ્રવિરોધી જાહેર કરી દેવાય છે. લોકતંત્ર માટે આ ખતરનાક છે અને આથી દેશની છબી ખરડાય છે એમ શર્માએ જણાવેલ હતુ.

(1:47 pm IST)