મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

કેન્સરગ્રસ્ત પારિકર હાલ ગોવાનું સીએમ પદ છોડી US ટ્રીટમેન્ટ માટે જાય તેવી શકયતા

પારિકરનો વિકલ્પ શોધવા કવાયતઃ રામકૃષ્ણ ધવલીકર બની શકે છે CM: અમેરિકાથી આવ્યા બાદ પારિકર નથી ગયા ઓફિસ

પણજી, તા.૧પઃ સ્વાદુપિંડ સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહાર પારિકર સારવાર માટે US જઈ શકે છે. સૂત્રોના મતે છેલ્લા ૭ મહિનાથી આ બીમારીથી પરેશાન પારિકરે હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ છોડવાની ઈચ્છા વ્યકત કરી છે. પારિકર ૬ સપ્ટેમ્બરે જ અમેરિકાથી સારવાર કરાવીને પરત ફર્યા છે. બુધવારે જ પારિકરને કેંડોલિમની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. સારવાર માટે અત્યાર સુધીમાં પારિકરને ૩ વખત અમેરિકા જવું પડ્યું છે.

સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, મનોહર પારિકર આ વખતે સારવાર માટે ન્યૂયોર્ક જવાના છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સતત મનોહર પારિકરના સંપર્કમાં છે. સૂત્રો પ્રમાણે, શુક્રવારે અમિત શાહે મનોહર પારિકર સાથે વાત કરી છે, જે બાદ ભાજપનું કેંદ્રીય નેતૃત્વ પારિકરના સ્થાને હંગામી વિકલ્પની શોધમાં છે. પાર્ટી વિજય પુરાણિકને નિરીક્ષક બનાવીને ગોવા મોકલી રહી છે. તેમની સાથે ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી બી.એલ. સંતોષ પણ ગોવા જઈ રહ્યા છે.

સૂત્રોના મતે આ બંને સિવાય કોઈ વરિષ્ઠ નેતા પણ ગોવા જાય તેવી સંભાવના છે. ગોવામાં ભાજપ સરકારની સહયોગી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના રામકૃષ્ણ ધવલીકરને હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ સોંપવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી છે. પારિકર કેબિનેટમાં હાલ સૌથી વરિષ્ઠ મંત્રી રામકૃષ્ણ ધવલીકર જ છે.

ભાજપના એક અધિકારીએ જણાવ્યિં હાલમાં ધવલીકરને CM પદનો ચાર્જ સોંપાવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પહેલા ભાજપના નિરીક્ષકો અહીંના ધારાસભ્યો અને સહયોગી પક્ષોના સભ્યોને મળશે ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવાશે. તો બીજી તરફ રામકૃષ્ણ ધવલીકરે કહ્યું કે, મનોહર પારિકરે મને બોલાવ્યો હતો પરંતુ લીડરશીપ અંગે કોઈ ચર્ચા થઈ નથી. જણાવી દઈએ કે ૬ સપ્ટેમ્બરે અમેરિકાથી પરત ફર્યા બાદ પારિકરે હજુ સીએમ ઓફિસ જોઈન નથી કરી.(૨૩.પ)

 

(12:04 pm IST)