મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

મોદી સાથે બેઠક બાદ જેટલીની સ્‍પષ્‍ટતાઃ વિશ્વની તુલનાએ દેશમાં મોંઘવારી ઓછી

આંતરરાષ્‍ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી છે. તેનો પ્રભાવ આપણી અર્થવ્‍યવસ્‍થા પર પડી રહ્યો છે

નવી દિલ્‍હી, તા.૧૫: પેટ્રોલ-ડિઝલની કિંમતો મુદ્દે ઘેરાયેલી સરકાર અને ડોલર સામે નબળો પડી રહેલા રૂપિયા વચ્‍ચે આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અર્થવ્‍યવસ્‍થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર અને નાણામંત્રી અરૂણ જેટલી ઉપરાંત નાણા મંત્રાયલ અને વડાપ્રધાન કાર્યાલયના અધિકારારીઓ પણ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન રિઝર્વ બેંકના અધિકારીઓએ પ્રેઝન્‍ટેશન દ્વારા અર્થવ્‍યવસ્‍થામાં વિસ્‍તાર અંગે માહિતી આપી હતી. બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્‍યું કે, ભારતીય અર્થવ્‍યવસ્‍થાનો વિકાસદર ઘણો વધારે છે અને અન્‍ય દેશોની તુલનાએ ભારતની મોંદ્યવારી પણ કાબુમાં છે.

ક્રૂડની કિંમતમાં થયેલા વધારા અને ડોલર સામે નબલો પડી રહેલો રૂપિયા અંગે અરૂણ જેટલીએ કહ્યું કે, અમેરિકામાં કેટલાક નીતિગત નિર્ણય કરાયા છે, જેના કારણે ડોલર મજબુત થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી છે. તેનો પ્રભાવ આપણી અર્થવ્‍યવસ્‍થા પર પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયો ગત્ત દિવસોમાં ડોલરની તુલનાએ પોતાનાં લઘુતમ સ્‍તર સુધી પહોંચી ગયો હતો. ઓગષ્ટમાં રૂપિયો છ ટકા સુધી ઘટીને ૭૨ના સ્‍તર સુધી ગયો હતો. ઉપરાંત હાલ ડિઝલ અને પેટ્રોલના ભાવ પણ રેકોર્ડ સ્‍તર સુધી પહોંચી ચુક્‍યા છે. વિપક્ષે તેની વિરૂદ્ધ ૧૦ સપ્‍ટેમ્‍બરે ભારત બંદનું આહ્વાન કર્યું હતું અને ડીઝલ પેટ્રોલની કિંમત ઘટાડવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવા અને ડોલર સામે રૂપિયામાં થઇ રહેલા ઘટાડાનાં કારણે તેલ કંપનીઓ ઇંધણની કિંમતોમાં સતત વધારો કરી રહી છે.

પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બે રૂપિયા લીટરનો ઘટાડો કરવા માટે ૩૦ હજાર કરોડ રૂપિયાનાં કરનું નુકસાન કરવું પડશે. સરકાર હાલ આ પ્રકારની કોઇ પણ છુટ આપી શકે તેમ નથી.

(12:03 pm IST)