મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુની ધરપકડના ભણકારા : મહારાષ્ટ્ર કોર્ટે સિંચાઈમંત્રી સહીત 15 સામે બહાર પાડ્યું વોરંટ

ગોદાવરી નદી પર બાબલી પ્રોજેક્ટના વિરોધમાં ટીડીપી દ્વારા વિરોધપ્રદર્શન અને આંદોલન કરાયેલ :કોર્ટમાં હાજર નહીં રહેતા બિનજામીનપાત્ર વોરન્ટ

 

મહારાષ્ટ્રની એક કોર્ટ દ્વારા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય 15 સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યું છે. કોર્ટે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવા ફરમાન કર્યું છે. વર્ષ 2010માં ગોદાવરી નદી પર બાબલી પ્રોજેક્ટના વિરોધમાં ટીડીપી દ્વારા મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધપ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યું હતું.

વોરંટમાં આંધ્રના સિંચાઈપ્રધાન દેવીનેની ઉમામહેશ્વર રાવ, સમાજકલ્યાણપ્રધાન એન. આનંદબાબુ અને પૂર્વ ધારાસભ્ય જી. કમલાકર તેમજ તેલુગુદેશમ પાર્ટીના અન્ય કાર્યકરોનાં નામ સામેલ છે. નાંદેડ જિલ્લાનાં ધર્માબાદ કોર્ટના મેજિસ્ટ્રેટ એન. આર. ગજભિયે દ્વારા પોલીસને તમામ આરોપીઓને પકડીને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવા આદેશ કરાયો છે. ટીડીપીએ ધરપકડ વોરંટના વિરોધમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં વિરોધપ્રદર્શન કરવા હાકલ કરી છે. નાયડુના પુત્ર અને આઈટીપ્રધાન એન. લોકેશે કહ્યું હતું કે મારા પિતા અને અન્યો 21મીએ કોર્ટમાં હાજર થશે, તેઓ તેલંગણાનાં હિતોનાં રક્ષણ માટે લડયા હતા, તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમણે જામીન લેવા ઇનકાર કર્યો હતો.

(1:02 am IST)