મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

વડીલોની દરમિયાનગીરીના કારણે શિવિંદર મોહનસિંઘ ભાઇ માલવિંદર અને સુનિલ ગોધવા સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર થયા

નવી દિલ્હી:શિવિંદર મોહન સિંઘે ભાઈ માલવિંદર અને સુનિલ ગોધવાની સામેનો કેસ પાછો ખેંચવા નવી પિટિશન કરી છે. કેસની સુનાવણી શુક્રવારે થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના વડીલોની દરમિયાનગીરી પછી શિવિંદર કેસ પાછો ખેંચવા તૈયાર થયા હતા.

માહિતીથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “આંતરિક વિવાદ ઉકેલી ડાઇચી અને બેન્કના ઋણ જેવા મોટા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની નીતિ મધ્યસ્થી પ્રક્રિયાનો ભાગ છે. જોકે, મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ રહે તો નાના ભાઈએ કોર્ટને ફરી કેસ ફાઇલ કરવાનો હક જાળવી રાખવાની વિનંતી કરી છે.”

શિવિંદરે પિટિશનમાં જણાવ્યું હતું કે, “માતાનું માન રાખીને પક્ષકારોએ મધ્યસ્થી પ્રક્રિયા શરૂ કરી છે. મધ્યસ્થી પ્રક્રિયાને આગળ ધપાવવા માટેની વિનંતીને ધ્યાનમાં રાખીને અરજદારોએ કોઈ પૂર્વગ્રહ વગર પિટિશન પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર બે ભાઈઓ વચ્ચેના મતભેદ બહુ વહેલા શરૂ થઈ ગયા હતા. વખતે માલવિંદર ફોર્ટિસ હેલ્થકેરનો ઇન્ટરનેશનલ બિઝનેસ સંભાળતા હતા અને તેમણે બિઝનેસ મુખ્ય કંપનીમાં મર્જ કરવાનો નિર્ણય લીધો. ત્યાર પછી તે શિવિંદરે વિકસાવેલા બિઝનેસના સંચાલનમાં સક્રિય રસ લેવા માંડ્યા. બંને ભાઈઓની લીડરશિપ સ્ટાઇલ અલગ હતી. વિવાદ ટાળવા શિવિંદરે ૨૦૧૫માં બિઝનેસ છોડી દીધો.

ડાઇચી સાંક્યોને 3,500 કરોડનો આર્બિટ્રેશન એવોર્ડ અને રેલિગેરની કટોકટીથી જૂથની કામગીરી પર ગંભીર અસર થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર જૂથની સમસ્યા ઉકેલવા શિવિંદર ફરી ધંધામાં જોડાયા અને તેમણે બે મોટી લિસ્ટેડ કંપનીઓ વેચી. જોકે, બંને ભાઈ વચ્ચેના મતભેદને કારણે શિવિંદર દ્વારા લેવાયેલાં પગલાંથી ગંભીર મતભેદ સર્જાયા અને અવરોધો ઊભા થયા. તેને કારણે બંને ભાઈઓને વિવાદ ઉકેલવાનો અવકાશ મળ્યો. કોઈ ટ્રાન્ઝેક્શન પૂરું નહીં થઈ શકવાને કારણે બેન્કોએ પ્રમોટર્સના પ્લેજ્ડ શેર્સ વેચવાનું શરૂ કર્યું.

મધ્યસ્થીની પ્રક્રિયાનો હેતુ હજુ સ્પષ્ટ નથી, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર જૂથમાં અત્યારે ચાલી રહેલી કટોકટીના ઉકેલ માટે નિર્ણયની સત્તા બેમાંથી એક ભાઈને આપવી જરૂરી છે. ડાઇચી અને અન્ય બેન્કો સાથેનો કેસ કેવી રીતે ઉકેલવો તેમાં બંને ભાઈ વચ્ચે તફાવત નાના ભાઈ દ્વારા કેસ કરવાનું એક કારણ હતું. માલવિંદર પર હાઈ કોર્ટ દ્વારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો આદેશ અને રેનબેક્સીના વેચાણમાં માલવિંદર પર પારદર્શકતાના અભાવને કારણે તેની ભરોસાપાત્રતા પર પ્રશ્નો થયા હતા.

(4:34 pm IST)