મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

પાસવાનની પુત્રીની જાહેરાત : RJDની ટિકિટ પર પિતા સામે ચૂંટણી લડશે

જમાઇ બાદ હવે પુત્રીએ પણ પિતા સામે મોરચો માંડયો

પટના તા. ૧૪ : કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને પિતા સામે ખુલીને મોરચો માંડ્યો છે. આશાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે તે રાષ્ટ્રીય જનતા દળ ટિકિટ પર પિતા સામે ચૂંટણી જંગમાં ઉતરશે. પાસવાનની પુત્રીએ ઉમેર્યું કે જો રાજદ તેને ટિકિટ આપશે તો તે હાજીપુરથી પિતા સામે રણશિંગુ ફૂંકશે અને ચૂંટણી લડશે. આશા પાસવાને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને કાકા કહ્યા હતા અને તેજસ્વી યાદવને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો હતો.

આશા પાસવાને આક્ષેપ કર્યો હતો કે પિતાએ હંમેશા ભાઈ ચિરાગ પાસવાનને જ આગળ વધારવા વિચાર્યું હતું. દીકરી વિશે કયારેય વિચાર્યું નહીં. આશાએ આક્ષેપમાં વધુ જણાવ્યું કે તે છોકરી હોવાથી કાયમ તેની અવગણા કરાઈ હતી. પિતા પાસવાન હંમેશા ભેદભાવ કરતા હોવાનો પણ આશાએ આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે રામવિલાસ પાસવાને બે લગ્ન કર્યા છે. આશા પાસવાનની મા રામ વિલાસ પાસવાનની પ્રથમ પત્ની હતી. તે બિહારના પૈતૃક ગામમાં રહે છે. આશાના ભાઈ ચિરાગ પાસવાન રામ વિલાસ પાસવાનની બીજી પત્નીના એકમાત્ર પુત્ર છે.

પિતા તેમજ ભાઈ પર ગંભીર આક્ષેપ લગાવતા આશાએ જણાવ્યું કે બન્નેએ પરિવારના સભ્યોની અવગણના  કરી અને પોતાની મરજી ચલાવી હતી. આશાએ એમ પણ કહ્યું કે, પિતા હવે દલિતોના નહીં પરંતુ સવર્ણોના નેતા બની ગયા છે.

અગાઉ રામ વિલાસ પાસવાનના જમાઈ અને આશાના પતિ અનિલ સાધુએ જણાવ્યું હતું કે જો રાજદ તેની પત્નીને ટિકિટ આપશે તો તે નિશ્ચિત રીતે રામ વિલાસ પાસવાન સામે ચૂંટણી લડશે. તેમણે ફકત મારું જ નહીં તમામ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોનું અપમાન કર્યું છે...દલિતો તેમણે રાખેલા મજૂર નથી.

(4:05 pm IST)