મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

૮ વર્ષમાં પ્રથમવાર અમેરિકા જતા ભારતીયોની સંખ્યા ઘટી

૨૦૧૬માં ૧૧.૭૨ લાખ અને ૨૦૧૭માં આશરે ૧૧.૧૪ લાખ ભારતીયો અમેરિકા ગયા

નવી દિલ્હી તા. ૧૪ : ૮ વર્ષમાં પહેલી વખત અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦૧૭માં આશરે ૧૧ લાખ ૧૪ હજાર ભારતીયો અમેરિકા ગયા હતા, આ સંખ્યા ૨૦૧૬ની સરખામણીમાં ૫% ઓછી છે. ૨૦૧૬માં ૧૧.૭૨ લાખ લોકો અમેરિકા ગયા હતા. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ ટ્રાવેલ એન્ડ ટ્રેડ ઓફિસ (NTTO) તરફથી આ માહિતી સામે આવી છે.

NTTOએ એપ્રિલમાં વિદેશી યાત્રીઓના આંકડા જાહેર કરવાનું હંગામી ધોરણે બંધ કર્યું હતું. યૂએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેકશન (CBP) તરફથી મળતા રેકોર્ડમાં અનિયમિતતાને પગલે આ નિર્ણય લેવાયો હતો. આ જ કારણે ૨૦૧૭માં અમેરિકા જનારા વિદેશીઓની સંખ્યા જાણી શકાઈ નહોતી. બુધવારે NTTOએ આ આંકડા જાહેર કર્યા, જે બાદ ભારતીયોની સંખ્યા ઘટી હોવાનો ખુલાસો થયો.

અગાઉ ૨૦૦૯માં ૫.૫ લાખ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તે વખતે આ સંખ્યામાં ૨૦૦૮ની સરખામણીમાં ૮% ઘટાડો જોવા મળ્યો હતો. આ વૈશ્વિક મંદીનો ગાળો હતો અને તે સમયે લોકોએ ખર્ચમાં કાપ મૂકયો હતો. ત્યાર બાદ ૨૦૧૬ સુધી દર વર્ષે અમેરિકા જનારા ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. જો કે આ બાબતને પણ હંગામી માનવામાં આવી રહી છે. NTTOનું અનુમાન છે કે ૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે અમેરિકા જનારા ભારતીયોની સંખ્યામાં વધારો થશે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે, છેલ્લા થોડા વર્ષોમાં વિદેશ જતા ભારતીયોની સંખ્યામાં ૧૦-૧૨ ટકાનો વધારો થયો છે.

દિલ્હી સ્થિત એક ટ્રાવેલ એજન્ટે કહ્યું કે, 'હાલ અમેરિકા જવું મુશ્કેલ બન્યું છે તે પ્રકારનો મત લોકોમાં પ્રવર્તી રહ્યો છે. અમેરિકામાં કેટલાક દેશોના લોકોના જવા પર પ્રતિબંધ મૂકાયા બાદથી આ પ્રકારની વિચારધારા ઊભી થઈ છે. જો કે આ ધારણા ખોટી છે અને સારા પ્રવાસીઓ માટે અમેરિકા તો આજે પણ પહેલા જેવું જ છે.' અન્ય એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, 'અમેરિકા નિયમિતરૂપે ભારતીય એપ્લિકન્ટ્સ માટે ૧૦ વર્ષના મલ્ટિપલ વિઝા મંજૂર કરતું આવ્યું છે. આ વિઝા ટૂરિસ્ટ (B1 અને B2) કેટેગરી અંતર્ગત આપવામાં આવે છે, જેની ફી ૧૦-૧૧ હજાર રૂપિયા છે. બીજી તરફ યુરોપીયન દેશોમાં નિશ્ચિત સમય માટે વિઝા આપવામાં આવે છે અને ચાર્જ પણ વધારે છે.'(૨૧.૮)

(8:00 pm IST)