મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

આજે ફરી ભાવ વધ્યાઃ પ્રીમિયમ પેટ્રોલ ૧૦૧નું લીટર

આજે પેટ્રોલમાં ૨૮ પૈસા અને ડીઝલમાં ૨૨ પૈસા વધ્યાઃ હજુ ભાવ વધશે તેવી શકયતાઃ પ્રીમિયમ પેટ્રોલ ૧૦૦નું લીટર થતાં દિલ્હીમાં પેટ્રોલ પંપો બંધ કરવા પડયાઃ મશીનોમાં ૯૯.૯૯ રૂ. પ્રતિ લીટર કિંમત ફીડ થયેલી છે

રાજકોટ તા.૧૪: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ઘટવાના નામ લેતા નથી. આજે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટેલના ભાવ ૨૮ પૈસા વધ્યા છે. જયારે ડીઝલ રર પૈસા મોંઘુ થયું છે. હવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૨૮ રૂ. પ્રતિ લીટર થયો છે. જયારે ડીઝલ ૭૩.૩૦ રૂ. પ્રતિ લીટર પહોંચ્યું છે. મુંબઇમાં આજે પેટ્રોલ ૨૮ પૈસા તો ડીઝલ ૨૪ પૈસા મોંઘુ થયું છે.

દિલ્હીમાં ગઇકાલે પણ બંનેના ભાવ વધ્યા હતા. મુંબઇમાં આજે પેટ્રોલનો ભાવ ૮૮.૬૭ રૂ. પ્રતિલીટર તો ડીઝલ ૭૭.૮૨ રૂ. પ્રતિલીટર થયો છે. ગઇકાલે ભાવ ૮૮.૩૯ અને ૭૭.૫૮ હતો. બુધવારે ભાવ ૮૮.૨૬ અને ૭૭.૪૭ હતો.

એવું માનવામાં આવે છે કે આવતા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘુ થવાનું છે. સોૈથી મોટુ કારણ ડોલર સામે રૂપિયાનું ધોવાણ છે. ઓઇલ કંપનીઓને ચુકવણું ડોલરમાં કરવું પડે છે. જેના કારણે માર્જિન પુરૂ કરવા પેટ્રોલ-ડીઝલ મોંધા કરવા પડે છે.

દિલ્હીના ઇતિહાસમાં પહેલીવાર ગયા શનિવારે પ્રીમિયમ પેટ્રોલ ૯૯ ઓકટોનનો ભાવ ૧૦૦ રૂપિયાથી પણ વધારે થઇ ગયો. મોટી વાત તો એ છે કે પેટ્રોલના ભાવ આ સ્તરે પહોંચતા જ તેનું વેચાણ બંધ કરવું પડયું કારણ કે મશીનમાં પ્રતિ લીટરનાં અધિકત્તમ ભાવ ૯૯.૯૯ રૂપિયા જ ફીડ થઇ શકતા હતા. જેના પરિણામ સ્વરૂપે પંપની સેવા બંધ કરીને એન્જીનીયરીંગ ટીમની મદદથી તેને રીકેલીબર કરવા પડયા. આ કાર્યવાહીમાં પંપ પર બે દિવસ વેચાણ બંધ રાખવું પડયું. સરકારી ઓઇલ વિતરણ કંપની એચપીસીએલ પાવર ૯૯ નામથી ઓકટેન પેટ્રોલ વેચે છે. જેની કિંમત સાદા પેટેલથી લગભગ ૨૦ રૂપિયા વધારે હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પેટ્રોલનું પર્ફોમન્સ બહેતર હોય છે અને તેનાથી એન્જીનનું આયુષ્ય પણ વધે છેે. એટલે મોંઘી ગાડીઓ વાળા ગ્રાહકો આ પેટ્રોલને જ પસંદ કરે છે. એચપીસીએલ અત્યારે આ પેટ્રોલ પુણે, મુંબઇ, દિલ્હી, નોઇડા, જાલંધર, બેંગ્લોરના એક બે પંપ પર જ વેચે છે.

રીકેલીબ્રેશન પછી વેચાણ ચાલુ કરાયું

આઠમી સપ્ટેમ્બરે ૯૯ ઓકટેન પેટ્રોલનો ભાવ ૧૦૦.૩૩ રૂપિયા થઇ ગયો હતો. આ પહેલા સુધી પેટ્રોલ પંપમાં પ્રતિલીટર વધુમાં વધુ ૯૯.૯૯ રૂપિયા સુધીના ફીડીંગની જ વ્યવસ્થા હતી. જયારે તેની કિંમત ૧૦૦થી ઉપર ગઇ તો ડીસ્પ્લે ઉપર કિંમત ૦૦.૩૩ રૂપિયા પ્રતિલીટર દેખાડવા લાગી. એટલે તેને દુરસ્ત કર્યા વગર વેચાણ નહોતું કરી શકાય એમ લાગવાથી તેનું વેચાણ બંધ કરવામાં આવ્યું અને કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. દિલ્હીમાં આ પેટ્રોલ અશોક હોટલ પાસે ઓટો કેર પંપ અને ચીડીયાઘરની બાજુમાં રાજીવ સર્વિસ સ્ટેશન પર મળે છે.

આ પંપ ઓટોમેટીક છે, એટલે કે ત્યાં કિંમત સેંન્ટ્રલ સર્વર ઉપરથી અપડેટ થાય છે. તે દિવસે સર્વર સિસ્ટમને તો દુરસ્ત કરાઇ જ હતી, એન્જીનીયરોએ તેને રીકેલીબર પણ કરી હતી. તે છતાં રવિવારે સિસ્ટમ ફરીથી બગડી હતી. આમ શનિવાર અને રવિવારે વેચાણ બંધ રાખવું પડયું હતું. ગુરૂવારે આ પેટ્રોલની કિંમત ૧૦૦.૯૫ હતી.

મોંઘી ગાડીઓમાં પુરાય છે આ પેટ્રોલ

અધિકારીનું કહેવું છે કે કરોડો રૂપિયાની ગાડી રાખનારાઓ આ જ પેટ્રોલ ખરીદે છે.  એટલું જ નહીં ચાણકય પુરીમાં આવેલા બધા દુતાવાસના વાહનોમાં પણ લગભગ આ જ પેટ્રોલ પુરવામાં આવે છે. લાખો રૂપિયાની કિંમતે મળતી સુપર બાઇકસમાં પણ આ પેટ્રોલ જ વાપરવામાં આવે છે.(૧.૬)

(11:58 am IST)