મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

વીમા વગર વાહનનો એકિસડન્ટ થયો તો એની નીલામી કરીને પીડિતને આપો વળતર : સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ૧૪ : સુપ્રીમ કોર્ટે ગુરુવારે આદેશ આપ્યો છે કે જો કોઈ વાહનનો વીમો પુરો થઈ ગયો હોય અને એનાથી દુર્ઘટના થઈ જાય તો પ્રભાવિત વ્યકિતને આ ગાડી વેચીને વળતર ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે તમામ રાજયોને મોટર વાહન અધિનિયમમાં સંશોધન કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે ઓટો કંપનીઓને આદેશ આપ્યો હતો કે તે અગત્યના થર્ડ પાર્ટી વીમા વગર ફોર વ્હીલર અને ટુ વ્હીલર નહીં વેંચી શકે.

આ નવી વ્યવસ્થા ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮થી લાગુ થઈ છે. નવા ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે ૨ વર્ષનો થર્ડ પાર્ટી વીમો અનિવાર્ય રીતે લેવો પડશે. આ રીતે ટુ વ્હીલર માટે ૫ વર્ષ સુધીનો થર્ડ પાર્ટી વીમો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય રોડ એકિસડન્ટમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને લીધો છે. નોંધનીય છે કે લોકો જયારે નવી ગાડી લે છે ત્યારે વીમો તો લે છે પણ એને રિન્યૂ નથી કરાવતા.

કોર્ટમાં સુનાવણી દરમિયા જયારે વીમા કંપનીઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓના કાન આમળતા કહ્યું કે રોડ એકિસડન્ટમાં દર વર્ષે એક લાખથી વધારે લોકો મળે છે. દર ત્રણ મિનિટે એક દુર્ઘટના બની છે. લોકો મરી રહ્યા છે અને તમે કહો છો કે એે મરવા દેવા જોઈએ? તમારે તેમના માટે કંઈ કરવું જોઈએ.(૨૧.૪)

(9:33 am IST)