મુખ્ય સમાચાર
News of Monday, 15th August 2022

કોરોનાની બે ડોઝવાળી નોઝલ વેક્સિનની 3100 લોકો ઉપર ટ્રાયલ થયા બાદ સફળતા મળી

નવી દિલ્હી તા.૧૫ :દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા થવાનો જશ્ન મનાવી રહ્યો છે અને આ દિવસે કોરોના સામે ચાલી રહેલા જંગમાં મોટી સફળતા મળી છે. કોવેક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકે કોરોનાની નોઝલ વેક્સીનની ટ્રાયલમાં મહત્વની સફળતા હાસિલ કરી છે. આ વેક્સીનનું વૈજ્ઞાનિક નામ BBV154 છે અને નોઝલ વેક્સીન પર બે પ્રકારની ટ્રાયલ ચાલી રહી હતી. પ્રથમ ટ્રાયલ કોરોનાની બે ડોઝવાળી પ્રાઇમરી વેક્સીનને લઈને ચાલી રહી હતી અને બીજી એવા બૂસ્ટર ડોઝ તરીકે જે કોવિશીલ્ડ અને કોવેક્સીન લગાવનાર બંને પ્રકારના લોકોને આપી શકાશે. આ બંનેના ક્લીનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂરો થઈ ગયો છે. તેને ડેટા ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાને જમા કરાવી દેવામાં આવ્યો છે. હવે ડ્રગ કંટ્રોલરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી આ ડેટાનો રિવ્યૂ કરશે.
કોરોનાના બે ડોઝવાળી નોઝલ વેક્સીનની ટ્રાયલ 3100 લોકો પર કરવામાં આવી છે. ભારતમાં 14 જગ્યાએ ટ્રાયલ થઈ છે. હેટેરોલોગસ બૂસ્ટર ડોઝની ટ્રાયલ 875 લોકો પર થઈ છે અને ભારતમાં 9 જગ્યાએ ટ્રાયલ કરવામાં આવી હતી. બંને સ્ટડીમાં વોલેન્ટિયર્સને કોઈ સમસ્યા થઈ નહીં. હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ એટલે કે એવી વેક્સીન જે કોવિશીલ્ડ અને કોવેક્સીન લઈ ચુકેલા લોકો પણ લઈ શકશે.

શરૂઆતી પરિણામ પ્રમાણે નાકથી અપાતી આ વેક્સીન રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસનળી અને ફેફસામાં કોરોનાથી લડવા માટે એન્ટીબોડી પેદા કરી શકે છે, જેનાથી ઇન્ફેક્શન ઘટે છે અને સંક્રમણ ઓછું ફેલાય છે. પરંતુ તેનો વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ વેક્સીનને ભારત બાયોટેકે વોશિંગટનની સેન્ટ લુઈસ યુનિવર્સિટી સાથે મળીને બનાવી છે. 

(5:30 pm IST)