મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

ચીન-ઇરાનની દોસ્તી ભારતને ભારે પડી, ચાબહાર પરિયોજનાથી થયું બહાર

નવી દિલ્હી, તા. ૧પ :  ઈરાન તરફથી ભારતને મોટો ફટકો પડ્યો છે અને ચાબહાર રેલ પરિયોજનાથી ભારતને હટાવી દેવામાં આવ્યું છે. આ માટે ઈરાને ભારત દ્વારા પ્રોજેકટના ફંડિગમાં વિલંબ થવાનું કારણ જણાવ્યું છે. ઈરાને એલાન કર્યું છે કે, તે હવે એકલા જ આ પરિયોજના પૂર્ણ કરશે. ભારત માટે ઈરાનનો આ નિર્ણય રણનીતિક દ્રષ્ટિએ ફટકો માનવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાન અને ચીન વચ્ચે ૪૦૦ બિલિયન ડોલરની એક મહાડીલ થવા જઈ રહી છે. કહેવાય છે કે, આ ડીલના પગલે જ ઈરાને ચાબહાર પરિયોજનાથી ભારતને બહાર કરી દીધુ છે.

આ પરિયોજના અંતર્ગત ઈરાનના ચાબહાર પોર્ટથી લઈને જહેદાન વિસ્તાર સુદી રેલ પરિયોજના બનાવવામાં આવવાની છે. આ રેલ પરિયોજનાને અફદ્યાનિસ્તાનના જરાંજ સરહદ સુધી વધારવાની યોજના પણ છે. ધ હિંદૂના રિપોર્ટ મુજબ, આ પરિયોજનાને માર્ચ ૨૦૨૨ સુધી પૂરી કરવામાં આવવાની છે.

વર્ષ ૨૦૧૪માં મોદીના ઈરાન પ્રવાસ દરમિયાન ચાબહાર સમજૂતિ પર હસ્તાક્ષર થયા હતા. આ સમગ્ર પરિયોજના પાછળ ૧.૬ અબજ ડોલરનું રોકાણ થવાનું છે. જો કે અમેરિકન પ્રતિબંધોના ડરથી ભારતે આ રેલ પરિયોજના પર કામ શરૂ ના કર્યું હોવાનું કહેવાય છે.

ભારતની સરકારી કંપની ઈરકોન આ પરિયોજનાને પૂર્ણ કરવાની હતી. આ પરિયોજના ભારતને અફઘાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયન દેશો સુધી એક વૈકલ્પિક માર્ગ પૂરો પાડવા માટે બનાવવામાં આવી રહી હતી. જેને ભવિષ્યમાં ભારતને ખૂબ ફાયદો થઈ શકે તેમ હતો. જો કે હવે ઈરાનના નિર્ણય બાદ ભારતને તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

ચીન અને પાકિસ્તાન સંયુકત રીતે સીપેક પરિયોજના પર કામ કરી રહ્યાં છે. આ પરિયોજનાથી ચીન અને પાકિસ્તાન ભારત પર કૂટનીતિક રીતે હાવી થઈ શકે છે. આ યોજનાના જવાબ રૂપે જ ભારતે ઈરાન સાથે ચબહાર પરિયોજનાની સમજૂતિ કરી હતી. જેને ભારતની એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી હતી. હવે ભારતના આ યોજનાથી બહાર થવાથી સ્વાભાવિક છે કે, ચીન અને પાકિસ્તાનને તેને ફાયદો મળશે.

આ ચબહાર પોર્ટને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટનો જવાબ પણ માનવામાં આવી રહ્યો હતો. ગ્વાદર પોર્ટ ચાબહારથી ૭૦ કિલોમીટર દૂર છે.

એવું મનાય છે કે, ચાબહાર પરિયોજનાથી ભારતને બહાર કરવામાં ચીનની ભૂમિકા હોઈ શકે છે. વાસ્તવમાં ચીનના સીપેકના જવાબજમાં જ ભારતે ચાબહાર માટે ઈરાન સાથે સમજૂતિ કરી હતી. જો કે લાગે છે કે, ચીને ઈરાન સાથે જે ૪૦૦ અબજ ડોલરની મહાડીલ કરી છે. તેમાં જ અંદરખાને ભારતને ચાબહાર પ્રોજેકટથી બહાર કરવાનું કાવતરૃં રચવામાં આવ્યું હોઈ શકે છે.

ઈરાન દ્વારા આ પરિયોજનામાંથી ભારતને બહાર કરવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જયારે ભારત અને ચીનના સબંધો વચ્ચે તનાવ ચાલી રહ્યો છે.

(4:00 pm IST)