મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

જિયોમાં ગુગલે ખરીદી ૭.૭ ટકા હિસ્સેદારી

મુકેશ અંબાણીએ રિલાયન્સની ૪૩ મી એજીએમને ઓનલાઇન સંબોધન કર્યુઃ ગુગલ જિયો પ્લેટફોર્મમાં ૩૩૭૩૭ કરોડનું રોકાણ કરશે : રિલાયન્સે સ્વદેશી પ-જી સોલ્યુશન તૈયાર કર્યુઃ કંપની દેવામુકત બની હોવાની જાહેરાતઃ જિયો ફાઇબરથી ૧૦ લાખથી વધુ ઘરો જોડાઇ ગયાઃ એજીએમ પુર્વે જ રિલાયન્સના શેરમાં ઉછાળો

નવી દિલ્હી, તા., ૧૫: દેશની સૌથી મોટી મુલ્યવાન કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જણાવ્યું છે કે ગુગલને જિયો પ્લેટફોર્મમાં વ્યુહાત્મક ભાગીદાર બનાવવામાં આવેલ છે. ગુગલ જિયો પ્લેટફોર્મમાં ૩૩૭૩૭ કરોડ રૂ.નું રોકાણ કરી ૭.૭ ટકા હિસ્સેદારી લેશે.

આજે બપોરે રિલાયન્સની ૪૩મી એજીએમને સંબોધીત કરતા તેમણે કહયું હતું કે, જિયોએ ઘરેલુ ટેકનીકથી પ-જી સોલ્યુશન વિકસીત કરેલ છે અને બીજા દેશોમાં તેની નિકાસ કરવામાં આવશે. અંબાણીએ તેને પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પીત કર્યુ હતું. તેમણે કહયું હતું કે જિયો ફાઇબરથી ૧૦ લાખથી વધુ ઘર જોડાઇ ગયા છે. શેર હોલ્ડરોને સંબોધીત કરતા તેમણે કહયું હતું કે, કોરોના સામેની લડાઇ ભારત અને વિશ્વ જીતી લેશે. તેમણે કહયું હતું કે, થોડા જ સપ્તાહોમાં વિડીયો કોલીંગ એપ જિયો મીટ-પને એક મીલીયન યુઝર્સએ ડાઉનલોડ કરેલ છે.  મુકેશ અંબાણીએ કહયું હતું કે, રિલાયન્સ કંપની હવે દેવા મુકત બની ગઇ છે. રિલાયન્સ દેશની સૌથી મોટી જીએસટી અને વેટ ચુકવતી કંપની બની છે. કંપનીએ ૬૯૩૭ર કરોડની ચુકવણી કરી છે. અંબાણીએ કહયું હતું કે ૧પ૦ અબજ ડોલરના પુંજીકરણવાળી રિલાયન્સ ભારતની પ્રથમ કંપની બની છે.

તેમણે કહયું હતું કે જિયો આવતા ૩ વર્ષમાં અડધો અબજ મોબાઇલ ગ્રાહકોને જોડશે. જિયોએ સંપુર્ણ સ્વદેશી પ-જી ટેકનીકલ વિકસીત કરી છે. જેવું સ્પેકટ્રમ મળશે કે તેની ટ્રાયલ શરૂ થશે.

મુકેશ અંબાણીએ કહયું હતું કે આવતા સમયમાં જિયો ડીજીટલ લાઇફ લાઇન બનશે. મોબાઇલ બ્રોડબ્રેન્ડ, જિયો ફાઇબર, જિયો એન્ટરપ્રાઇઝ, બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ટરપ્રાઇઝ થકી તે સંભવ બનશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની એજીએમ પહેલા કંપનીનો શેર ઉછળી ૧૯પ૭ રૂ. ઉપર પહોંચી ગયો છે.

રિલાયન્સનું નવુ ઇનોવેશન જિયો ગ્લાસ છે. તેને કોઇ ફોન સાથે જોડીને ઇન્ટરનેટ ચલાવી શકાય છે તે એક ચશ્મા છે. તેમાં ઓડિયો એટલે કે ગીત - સંગીત પણ ચાલશે અને ૨૫ એપ્લીકેશન ચાલશે. તેમાં 2D અને 3D વીડિયો ચેટીંગ થશે તેની સાથે જ રિલાયન્સે પણ દાવો કર્યો છે કે જિયો મીટ ભારતની સૌથી સુરક્ષિત વર્ચુઅલ મીટીંગ એપ છે.

(3:13 pm IST)