મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

CBSE ધોરણ-12ના રિઝલ્ટમાં અદભુત કમાલ : માત્ર ચહેરા જ નહી, અક્કલમાં પણ એકસમાન જોડિયા બહેનો

બન્ને ટ્વીન્સ બહેનોએ તમામ વિષયોમાં એકસરખા માર્ક્સ પ્રાપ્ત કર્યા : બન્ને બહેનોએ પોતાની જુગલબંધીથી ચમત્કાર કર્યો

નવી દિલ્હી: ગ્રેટર નોઈડા વેસ્ટની ટ્વીન સિસ્ટર માનસી અને માન્યાનો જન્મ 3 માર્ચ, 2003ના રોજ થયો હતો. બન્ને બહેનોના જન્મ વચ્ચે માત્ર 9 મિનિટનું જ અંતર છે. બસ આ એક જ બાબત છે, જે આજ સુધી બન્ને બહેનોને અલગ કરે છે. બન્નેના ચહેરા એકબીજાને આબેહૂબ મળતા આવે છે અને અવાજ પણ સરખો જ છે. જો કે સોમવારે બન્ને બહેનોએ પોતાની જુગલબંધીથી ચમત્કાર કરીને માતા-પિતા, શિક્ષકો અને મિત્રો સૌ કોઈને ચોંકાવી દીધા છે. બન્ને બહેનોએ CBSE ધોરણ-12ની પરીક્ષામાં એક સરખા જ (95.8 ટકા)માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.

આટલું જ નહી બન્ને બહેનોએ તમામ વિષયોમાં એકસરખા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ગ્રેટર નોઈડાની એસ્ટર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરનાર આ બન્ને બહેનોએ અંગ્રેજી અને કૉમ્પ્યુટર સાયન્સમાં 98-98 માર્કસ, જ્યારે ભૌતિક, રસાયણ અને શારીરિક શિક્ષા જેવા વિષયોમાં 95-95 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હવે બન્ને બહેનો એન્જિનિયરિંગ કરવાની યોજના બનાવી રહી છે.

 

એક સરખી આદતો અને શોખ ધરાવતી બન્ને બહેનોએ જણાવ્યું કે, આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેઓ નિશ્ચિંત હતા. જો કે તેમણે એની કલ્પના પણ નહતી કરી કે, બન્નેને એક સમાન માર્ક્સ પ્રાપ્ત થશે.

માનસીએ જણાવ્યું કે, “એક જેવા દેખાવાના કારણે અમને દરેક જણ યાદ કરે છે. અમે જાણતા જ હતા અમારૂ પરિણામ સારૂ આવશે, પરંતુ એક સરખા માર્ક્સ આવશે તેવું ક્યારેય વિચાર્યું નહતું.”

માન્યાએ જણાવ્યું કે, “બે વર્ષ પહેલા મેં ક્યાંક વાચ્યું હતું કે, એક જેવી દેખાતી બે જોડિયા બહેનોએ એક સરખા માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. એ સમયે મને પણ લાગ્યુ કે આ માત્ર સંયોગ જ હશે. જો કે હજુ પણ મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, અમે બન્ને બહેનોએ એક સમાન માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. અમારી વચ્ચે કાયમ સ્પર્ધા રહે છે, પરંતુ અગાઉ ક્યારેય અમને એક સમાન માર્ક્સ પ્રાપ્ત નથી થયા.”

(1:56 pm IST)