મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

બીજુ રાહત પેકેજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

નાણાકીય - ઉદ્યોગ - વાણિજ્ય મંત્રાલયો અને નીતિપંચ પાસેથી મંતવ્યો માંગ્યા

નવી દિલ્હી તા. ૧૫ :  કોરોનાના વધતા કેસ અને તેમની અસર વચ્ચે સરકારે બીજી રાહત આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન કાર્યાલયે નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને નીતિઆયોગ પાસેથી બીજા આર્થિક પેકેજ અંગેના મંતવ્યો માંગ્યા છે. તેઓને કહેવામાં આવ્યું છે કે, આ અંગે તેમના મંતવ્યો રજુ કરે અને આર્થિક વિકાસને ગતિ આપવા અને આર્થિક ગતિવિધિઓ વધારવા માટે બીજા કયાં-કયાં ઉપાયો કરવા તે અંગેનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું.

એક સરકારી અધિકારીનું કહેવું છે કે, એક અન્ય રાહત પેકેજમાં નાની કંપનીઓ અને કારોબારીઓની સાથે મિડલ કલાસ અને તે સેકટરો પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. જેને પ્રથમ રાહત પેકેજમાં કંઇ ખાસ આપવામાં આવ્યું નથી. તેમાં સેકટરો, જેમાં સિવિલ એવિએશન, ટુરિઝમ અને હોટલ - રેસ્ટોરન્ટ સેકટર સામેલ છે. આ ઉપરાંત સરકાર લેવર રિફોર્મ અંગે એવા કેટલાક પગલા ભરવાની ઘોષણા કરશે. જેમાં મિડલ કલાસની સાથે કંપનીઓને પણ લાભ થશે. પ્રવાસી મજુરોને ફરી કાર્યસ્થળે પહોંચાડવાની સુવિધા અંગે નીતિની સમીક્ષા કરવામાં આવશે.

સરકારે પ્રથમ રાહત પેકેજ હેઠળ અંદાજે ૨૦ લાખ કરોડના પેકેજની ઘોષણા કરી છે. તેમાં મુખ્ય રૂપે ગરીબ તબક્કા, નાના ઉદ્યોગો અને ખેડૂતો પર વધુ ફોકસ કરાશે. આ રાહત પેકેજ પર વિપક્ષો દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. અનેક સેકટરોના પ્રતિનિધિઓએ પણ કહ્યું હતું કે, તેમને કંઇ ખાસ આપવામાં આવ્યું નથી.

જેવી રીતે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેનાથી સરકાર ખૂબ જ ચિંતિત છે. તેને લાગી રહ્યું છે કે, આ મુદ્દો જેટલું વિચાર્યું હતું તેનાથી વધુ લાંબો ચાલશે. એવામાં આર્થિક ગતિવિધિને પાટા પર લાવવા માટે ૨૦ લાખ કરોડ રૂપિયાની જે રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી હતી તેમાં હજી કાંઇક જોડવાની જરૂરીયાત છે.

(1:01 pm IST)