મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

કોરોના બાબતે નવો વિસ્ફોટઃ દર્દીના હૃદય ઉપર ગંભીર અસરો થાય છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ પર દરરોજ નવા નવા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોના ફેફસાને નુકસાન પહોંચાડે છે તેવું માનવામાં આવતું હતું, પણ હવે જે અભ્યાસના તારણો સામે આવ્યા છે. તે મુજબ કોરોના દર્દીના હૃદયને નુકસાન પહોંચાડી રહ્યો છે. હૃદય રોગી ન હોય તેવા કોરોના સંક્રમિત દર્દીના હૃદય પર પણ જોવા મળી શકે છે. 

  બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશને ૬૯ દેશના ૧૨૬૧ દર્દીઓ પર અભ્યાસ કર્યા બાદ આ ખુલાસો કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ૯૦૧ દર્દી એવા સામેલ હતા. જેને હૃદય સંબંધી કોઈ જ તકલીફ ન હતી. જોકે કોરોના સંક્રમણ બાદ આ દર્દીઓના હૃદય પર ગંભીર અસર જોવા મળી છે. જેમાં ૪૬ ટકા દર્દીના હૃદયના રિપોર્ટ અસામાન્ય હતા.

 જયારે ૧૩ ટકા દર્દીને હૃદય સંબંધી ગંભીર સમસ્યા હતી. આ સંશોધનમાં સામેલ ૧૨૬૧ દર્દીમાંથી ૫૫ ટકાના હૃદય દ્વારા બ્લડ પંપ કરવામાં તકલીફ દેખાઈ. સાતમાંથી એક વ્યકિતના હૃદયની કામ કરવાની ક્ષમતા પર ભારે અસર થઈ. કોરોના ગંભીર દર્દીના હૃદય અને વાહિકાતંત્રને નુકસાન પહોંચાડે છે.

 તપાસ દરમિયાન દર્દીઓની જયારે સ્કેનિંગ કરવામાં આવી તો હૃદય સંબંધી તકલીફ જોયા પછી સારવારની પ્રક્રિયા બદલવામાં આવી. આવા દર્દીઓને હાર્ટ એટેકમાં આપવામાં આવતી દવા આપવાની સાથે ફલૂડ પર નિયંત્રણ કરવામાં આવ્યું જેના કારણે તેમનું હૃદય સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરે. 

 પ્રમુખ તપાસ કરનાર પ્રો. માર્ક ડેવકના જણાવ્યાં મુજબ કોવિડ-૧૯ માત્ર ફેફસા નહી, બીજા અંગો સાથે હૃદય પર પણ અસર કરે છે. ગંભીર ફલૂમાં હૃદયને નુકસાન થાય છે પરંતુ તપાસમાં દર્દીઓને સૌથી વધારે નુકસાન હૃદય પર થયેલું જોવા મળ્યું. હૃદયની કામ કરવાની ક્ષમતા પ્રભાવિત જોવા મળી.

(1:01 pm IST)