મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

મધ્ય ભારતમાં ચોમાસુ મહેરબાન : ઉત્તર ભારતમાં આવતીકાલથી સક્રિય બનશે

૨૪ થી ૪૮ કલાક ગુજરાત - સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ - પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડશે : સ્કાયમેટ : તેલંગણા, કર્ણાટક, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનના અમુક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી : મુંબઈ - મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકશે

નવી દિલ્હી : દેશના મધ્ય ભાગમાં ચોમાસુ મહેરબાન છે, જયારે ઉત્તર ભારતમાં આવતીકાલથી સક્રિય બનશે. આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ - પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

ચોમાસાની સીઝનના દોઢ મહિનામાં મધ્ય ભારતમાં સામાન્યથી ઘણો વરસાદ થયો છે. જયારે મધ્ય ભારતના ગ્વાલીયર ૫૫ ટકા, ભીંડ ૪૮ ટકા, ટીકમગઢ ૨૯, ગુજરાતના દાહોદ ૬૫ ટકા, જયારે મહારાષ્ટ્રના ગોંડીયા ૩૩ ટકા, નંદુબાર ૨૩ ટકા, અંકોલા ૨૨ ટકા તેમજ કર્ણાટકના ચીકમગલુ ૩૦ ટકા, હાસન ૩૨ ટકા, કોગાડુ ૩૨ ટકા, કેરળના વાયનાડુ ૫૭ ટકા, થ્રીસુર ૩૮ ટકા, ઈડકકી ૪૭ ટકા, મલ્લાપુરમ ૩૦ ટકા, ઈરનાકુલમ ૩૦ ઓછો વરસાદ નોંધાયો છે.

હાલમાં મધ્ય ભારતના ભાગોમાં ચોમાસુ વ્યાપકરૂપે સક્રિય છે. આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન પશ્ચિમ એમ.પી., દક્ષિણ - પૂર્વ રાજસ્થાન, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણમાં મુશળધાર વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ૧૦૦ થી ૨૦૦ મી.મી. વરસાદ ખાબકશે. જનજીવનને પણ અસર પડશે.

આગામી બે દિવસ તેલંગણા અને કર્ણાટક, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશમાં પણ જોરદાર વરસાદ પડશે. આગામી ૨૪ કલાકમાં રાજસ્થાનમાં અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી, હરીયાણા, પંજાબમાં વાતાવરણ ચોખ્ખુ જોવા મળશે. જયારે ઉત્તરાખંડમાં આવતીકાલથી ચોમાસુ સક્રિય બનશે.

(11:25 am IST)