મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

'કોરોના કાળ'માં વીક-એન્ડ શોપિંગનાં ટ્રેન્ડમાં ઘટાડો

ઘણાં રાજયોમાં વીક એન્ડ કરફયુ અને મોલ્સની ભીડમાં જવાના ખચકાટથી અન્ય દિવસોમાં ખરીદીનો ટ્રેન્ડઃ લોકો ઓફિસના કલાકોમાં અથવા શનિ-રવિ સિવાય ખરીદી કરવાનું પસંદ કરે છેઃ બંધ મલ્ટિપ્લેકસ અને વીક - એન્ડમાં મોલ્સમાં ભીડ વચ્ચે જવાના ખચકાટથી વીક - એન્ડ સિવાયના દિવસોમાં શોપીંગ વધ્યું : એપ્લાયન્સિસ, લેપટોપ્સ અને સ્માર્ટફોન્સ જેવી પ્રોડકટસનું વેચાણ પણ વીક - એન્ડમાં ઘટયું: કોરોના અગાઉના સમયમાં સાંજના સમયે સૌથી વધુ વેચાણ થતું હતું જો કે, હવે સમગ્ર દિવસ દરમિયાન લગભગ સમાન વેચાણ નોંધાય છે

 કોલકતા-મુંબઇ તા. ૧પ :.. કોરોના  અગાઉના સમયમાં રિટેલ વેચાણમાં વીક - એન્ડ શોપિંગનો હિસ્સો લગભગ પ૦ ટકા હતો, જે ઘટીને ૩૩ ટકા થઇ ગયો છે. ખરીદીનો ટ્રેન્ડ બદલાયો છે અને લોકો ઓફીસના કલાકોમાં અથવા શનિ-રવિ સિવાય ખરીદી કરવાનું પસંદ કરે છે.

ગ્રોસરી, એપેરલ્સ અને ઇલેકટ્રોનિકસ સેગમેન્ટની કંપનીઓના જણાવ્યા અનુસાર શોપીંગની આદતમાં ફેરફારનંુ મુખ્ય કારણ બંધ મલ્ટિપ્લેકસ અને વીક - એન્ડમાં મોલ્સમાં ભીડ વચ્ચે જવાનો ખચકાટ છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો, નવ રાજયમાં વીક - એન્ડ કરફયુ, વર્ક ફ્રોમ હોમ કલ્ચર અને ઓનલાઇન ખરીદીમાં વૃધ્ધિ સહિતનાં પરિબળોને લીધે વીક - એન્ડમાં શોપીંગનું પ્રમાણ ઘટયું છે.

એલ. જી. ઇલેકટ્રોનિકસના વાઇસ પ્રેસિડન્ટ (હોમ એપ્લાયન્સિસ) વિજય બાબુએ જણાવ્યું હતું કે, 'મોટા ભાગની ખરીદી જીવનજરૂરી ચીજોની થઇ રહી છે. અગાઉ વીક - એન્ડ શોપીંગમાં જરૂરીયાતની ચીજો સાથે મોજશોખની વસ્તુઓ પણ ખરીદવામાં આવતી હતી.' રિટેલર્સ અને બ્રાન્ડસના જણાવ્યા અનુસાર રવિવારની ખરીદીને સૌથી મોટો ફટકો પડયો છે. કેટલાંય વર્ષો સુધી આ દિવસે સૌથી વધુ ખરીદી થતી હતી. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઓડિશા અને આસમમાં વીક - એન્ડ કરફયુનો અમલ થઇ રહ્યો છે. કેલ્વિન કલેઇન, ગેપ અને યુએસ પોલો જેવી બ્રાન્ડસનું વેચાણ કરતી અરવિંદ ફેશન્સના સીઇઓ જે સુરેશે જણાવ્યું હતું કે, 'અગાઉ સૌથી વધુ વેચાણ રવિવારના દિવસે થતું હતું. પણ હવે આ દિવસે કામકાજના દિવસ કરતાં પણ ઓછું વેચાણ થાય છે.'

તેમણે વધુમાં જણાવ્યંુ હતું કે, 'વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે લોકો શનિ-રવિ સિવાયના દિવસે પણ અનુકુળતા પ્રમાણે ખરીદી કરી શકે છે. શનિવારના વેચાણમાં પણ ૩૩ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે, અન્ય દિવસોની તુલનામાં આ દિવસે વેચાણ ઘણંુ વધારે છે. 'એપ્લાયન્સિસ, લેપટોપ્સ અને સ્માર્ટફોન્સ જેવી પ્રોડકટસમાં પણ આવો જ ટ્રેન્ડ નોંધાયો છે. લોકોમાં અત્યારે આ પ્રોડકટસની માંગ ઘણી ઉંચી છે. ક્રોમાના ચીફ માર્કેટીંગ ઓફીસર રિતેશ ઘોષલે જણાવ્યું હતું કે, 'કોરોના અગાઉના સમયમાં સાંજના સમયે સૌથી વધુ વેચાણ થતું હતું. જો કે, હવે સમગ્ર દિવસ દરમિયાન લગભગ સમાન વેચાણ નોંધાય છે.' ગ્રાહકો અત્યારે ભીડને ટાળવા વહેલી સવારે અથવા બપોરે પણ ખરીદી માટે આવે છે. ઘોષાલના જણાવ્યા અનુસાર બેંગલુરૂ અને મુંબઇમાં ઘણા સ્ટોર્સ બંધ હોવાથી રવિવારે સપ્તાહનું સૌથી ઓછું વેચાણ થાય છે. એવન્યુ સુપર માટર્સના એમ.ડી. નેવિલ નોરોન્હાએ જણાવ્યું હતું કે, 'વીક - એન્ડમાં લોકડાઉનને કારણે સત્તાવાળાએ જીવનજરૂરી ચીજો માટે ખરીદીના કલાકો વધારવા જોઇએ. તેને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મદદ મળશે.' ઉલ્લેખનીય છે કે, રિટેલર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (આરએઆઇ) એ રાજયોને વીક - એન્ડમાં દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવા માંગ કરી છે. કારણ કે આવા શટડાઉનથી રિટેલ બિઝનેસની રિકવરીને અસર થઇ રહી છે.

 * અગાઉ સૌથી વધુ વેચાણ રવિવારે થતું હતું. પણ હવે આ દિવસે કામકાજના દિવસ કરતાં પણ ઓછુ઼ વેચાણ થાય છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે લોકો શનિ-રવિ સિવાયના દિવસે પણ અનુકુળતા પ્રમાણે ખરીદી કરી શકે છે.

- જે. સુરેશ

CEO, અરવિંદ ફેશન્સ

 

(11:17 am IST)