મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

કાલથી આકાશમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા

૭૫ દિવસના વિરામ બાદ ફરી ઉલ્કા વર્ષાનો નજારો શરૂ : ૩૦ જુલાઇ સુધી જોવા મળશે : કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કા પડશે : રાત્રીના ૧ થી પરોઢ સુધી જામશે રોમાંચક આતશબાજી : ખગોળીય આનંદ લુંટવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૧૫ : છેલ્લા ૭૫ દિવસના વિરામ બાદ આવતીકાલથી ફરી આકાશમાં ઉલ્કાવર્ષાનો રોમાંચકારી નજારો જોવા મળશે. વિશ્વમાં તા.૧૬ થી ૩૦ જુલાઇ ઉપરાંત ૧૯ મી ઓગષ્ટ સુધી ડેલ્ટા - એકવેરીડ્સ ઉલ્કાવર્ષા થશે. આ અદ્દભુત ખગોળીય ઘટનાનો નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવેલ છે કે ગુરૂવારથી બુધવાર સુધી ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કાનો રીતસર વરસાદ થતો જોવા મળશે. રાત્રીના ૧ થી પરોઢ સુધીમાં કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કાઓ પડતી નિહાળી શકાશે.

ઉલ્કાવર્ષાનું રહસ્ય સ્પષ્ટ કરતા જણાવેલ છે કે ધુમકેતુઓ કારણભૂત ભ્રમણકક્ષા કાપે છે. આ ધુમકેતુઓનું સતત વિસર્જન થતુ રહે છે. તેમાથી વિીસર્જીત થયેલો પદાર્થ ધુમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઇએ તો દરેક ધુમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો થતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આ સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિ.મી.ની ઝડપનો હોય છે. વાતાવરણના વાયુ સાથેના ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠવાથી સર્જાતા તેજ લીસોટા એ જ ઉલ્કા. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા, ઉલ્કા કહે છે.

જાથા દ્વારા રાજયભરમાં ઉલ્કાવર્ષા નિહાળવા આયોજનો થયા છે. તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવાગઢ, ગોધરા વગેરે સ્થળોએ તૈયારીઓ પુરજોશમાં કરાઇ છે.

આ માટે જાથાના સહમંત્રી પ્રમોદ પંડયા, અંકલેશ ગોહિલ, વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, ભરત મહેતા, કેલ્વિન આરદેશણા, અમિત ડાભી, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, હકુભાઇ બસીયા, અજીતસિંહ ગોહિલ, વિનોદ વામજા અને અન્ય સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા મો.૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:13 am IST)