મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

વ્હેલા ચોમાસાનો સૌરાષ્ટ્રને ભરપૂર લાભ ૧ મહિનામાં સિઝનનો ૬૧% વરસાદ પડી ગયો

૫ વર્ષમાં પહેલીવાર દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધુ વરસાદઃ દ્વારકા પંથકમાં ૧૫૧ ટકા તો પોરબંદરમાં ૧૦૧ ટકા વરસાદ : સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૬.૩ ઇંચ પડયો

નવી દિલ્હી તા. ૧૫ : આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થવાનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રને મળ્યો છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં એક મહિનામાં તેના કુલ વરસાદનો ૬૧ ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં તેના કુલ વરસાદનો ૨૦.૭ ટકા વરસાદ થયો છે. આંકડા પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ૩૦૦ મિમી (૧૧.૮ ઈંચ) સામે સૌરાષ્ટ્રમાં ૪૧૪ મિમી (૧૬.૩ ઈંચ) જેટલો વરસાદ નોંધાઈ ચૂકયો છે. નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ ૨૬ જૂન હતી. તેની સામે આ વર્ષે ૧૫મી જૂનથી ચોમાસું શરૂ થયું હતું.

૨૦૧૫ પછી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકામાં ૧૫૧% અને પોરબંદર ૧૦૧% વરસાદ પડી ચૂકયો છે. એક મહિનામાં જ કુલ વરસાદના ૧૦૦%નો રેકોર્ડ પણ બની ગયો છે. રાજયના મહેસૂલ વિભાગ સંચાલિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC)ના આંકડા મુજબ ૯ જિલ્લામાં ૧૦૦% કે તેથી વધુ વરસાદ થઈ ચૂકયો છે જયારે ચાર જિલ્લા એવા છે જયાં ૯૦-૯૯% વરસાદ થયો છે.

ભારત હવામાન વિભાગ (IMD)ના રિજનલ ડિરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે, 'દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાનો ટ્રેન્ડ સામાન્ય રીતે જોવા મળતો નથી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિઓ જુદી છે, નિસર્ગ વાવાઝોડાની સાથે રાજયમાં પ્રિ-મોન્સુનમાં સારો વરસાદ થયો છે. અત્યાર સુધી આ વર્ષે લો-પ્રેશર એરિયા અથવા ડિપ્રેશન મિસિંગ હોવાને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત તરફથી પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર તરફ ટ્રાવેલ કરે છે.' તેમણે જણાવ્યું હતું કે ચોમાસું હાલમાં હિમાલયના ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે, પરંતુ તે નીચેની તરફ આગળ નથી વધી રહ્યું જે ગુજરાતના વરસાદમાં મદદ કરી શકે છે. સરકારે જણાવ્યું હતું કે, ચોમાસામાં ઘણો સમય બાકી છે અને અમે આશા રાખીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ટાર્ગેટ કવર થઈ જશે. SEOCના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી ૨૭૦ મીમી સાથે ૩૨.૫% વરસાદ નોંધાયો છે.

(11:09 am IST)