મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

ટ્રાવેલિંગ માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઈકની માંગ વધી

ગ્રાહકો સ્વિફટ ડિઝાયર, હોન્ડા સિટી, આઈ૧૦, સ્કોર્પિયો અને સેન્ટ્રો જેવી લોકપ્રિય બ્રાન્ડમાં રસ લઈ રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૫: દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળી રહ્યા છે. આ કારણે હવે સેકન્ડ હેન્ડ ગાડી અને બાઈકની માગમાં વધારો થયો છે. લોકડાઉન દરમિયાન લોકો સેકન્ડ હેન્ડ ગાડી અને બાઈકની ખરીદી બાબતે વિચારતા થયા. જે કંપનીઓ જૂની ગાડી અને બાઈકની ખરીદી અને વેચાણનું કામ કરે છે ત્યાં લોકોની પૂછપરછના આંકડામાં ગત વર્ષની સરખામણીમાં વધારો થયો છે.

આવી જ એક કંપનીના સીઈઓએ જણાવ્યું કે ગ્રાહકો સ્વિફ્ટ ડિઝાયર, હોન્ડા સિટી, આઈ૧૦, સ્કોર્પિયો અને સેંટ્રો જેવી લોકપ્રિય બ્રાન્ડમાં રસ લઈ રહ્યા છે. પણ, લોકડાઉન દરમિયાન તેમની ખરીદ શકિતમાં ૧૩-૧૫ ટકાનો ઘટાડો થતા તેઓ સસ્તા વાહનોની ખરીદી કરવા માટે મજબૂર છે.

અન્ય એક કંપનીના સીઈઓએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે સેકન્ડ હેન્ડ ગાડી અને બાઈકની માગ જૂન મહિનામાં વધારે જોવા મળી છે. હવે ગ્રાહકો વધુ પ્રમાણમાં નવી ગાડીઓ ખરીદી રહ્યા નથી. સૌથી વધુ માગ ટાઉન અને શહેરોમાં જોવા મળી છે. બેંગલુરુ જેવા મોટા શહેરો અને જયપુર, લખનઉ જેવા શહેરોમાં પણ સેકન્ડ હેન્ડ ગાડીઓ અને બાઈકની માગમાં વધારો જોવા મળ્યો છે. સેકન્ડ હેન્ડ એટલે કે યૂઝડ ટૂ-વ્હીલર્સની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. પણ, ફાઈનાન્સિંગની મોટી સમસ્યા છે.

એ વાત અલગ છે કે લોકડાઉન બાદ આ પ્રકારના વાહનો માટેની લોન આપવામાં વધારો થયો છે. જે ૨૦ ટકાથી વધીને ૩૦થી ૩૫ ટકા થઈ ગયો છે. લોન આપી રહેલી ફાઈનાન્સિંગ કંપનીઓને ટૂ-વ્હીલરની લોન કરવામાં મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જૂના વાહનોની કિંમતમાં ૧થી ૨ ટકાનો વધારો થયો છે.

(10:20 am IST)