મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

જલદી મળી શકે છે ખુશખબર

અમેરિકામાં લેટ સ્ટેજ કોરોના વેકિસન ટ્રાયલની તૈયારી

અમેરિકાની દિગ્ગજ દવા ઉત્પાદક કંપની મોડર્ના કોરોના વાયરસ વેકિસનના લેટ સ્ટેજ ટ્રાયલની તૈયારી કરી રહી છેઃ કંપની અનુસાર, ૨૭ જુલાઈની આસપાસ તેની ટ્રાયલને શરૂ કરવામાં આવી શકે છે

વોશિંગટન, તા૧૫: અમેરિકાની દિગ્ગજ દવા ઉત્પાદક કંપની મોડર્ના કોરોના વાયરસ વેકિસનના લેટ સ્ટેજ ટ્રાયલની તૈયારી કરી રહી છે. કંપની અનુસાર, ૨૭ જુલાઈની આસપાસ તેની ટ્રાયલને શરૂ કરવામાં આવી શકે છે. મોડર્નાએ કહ્યું કે, તે અમેરિકાના ૮૭ સ્ટડી લોકેશન પર આ વેકિસનની ટ્રાયલનું આયોજન કરશે. માનવામાં આવી રહ્યું છે કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સફળ થયા બાદ કંપની કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

આ એકસપરિમેન્ટલ વેકિસનની ટ્રાયલ રાજધાની વોશિંગટન ડીસી સિવાયદેશના ૩૦ અન્ય રાજયોમાં કરવામાં આવશે. વેકિસનની ટ્રાયલને લઈને પસંદ કરવામાં આવેલ અડધાથી વધુ લોકેશન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ટેકસાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા, જોર્જિયા, એરિઝોના અને ઉત્તરી અને દક્ષિણ કેરોલિનામાં સ્થિત છે.

અમેરિકી સરકારે મોડર્નાને વેકિસન વિકસિત કરવામાટે અડધા મિલિયન અમેરિકી ડોલરની આર્થિક સહાયતા આપી છે. આ વેકિસનના પ્રથમ બે તબક્કાના ટ્રાયલને લઈને કંપનીએ સફળ હોવાનો દાવો કર્યો છે. પરંતુ તેની સાથે જોડાયેલા ડેટા કંપનીએ શેર કર્યા નથી.

રિપોર્ટસ પ્રમાણે મોડર્ના કંપનીના શેર ફેબ્રુઆરી બાદ ત્રણ ગણા વધી ગયા છે. અમેરિકી શેર માર્કેટ નૈસ્ડૈકમાં લિસ્ટેડ આ કંપનીના શેરનું મૂલ્ય મંગળવારે ૭૪.૫૭ ડોલર છે. જાણવા મળી રહ્યું છે કે કોરોના વાયરસ વેકસીનના સફળ પરીક્ષણ બાદ અમેરિકી દવા કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે વિશ્વમાં વર્તમાન સમયમાં કોરોના વાયરસ વેકિસનને લઈને ૧૨૦થી વધુ સ્પર્ધકો કામ કરી રહ્યાં છે. જયારે તેમાંથી ૧૩ વેકિસન કિલનિકલ ટ્રાયલના ફેઝમાં પહોંચી ચુકી છે. તેમાંથી સૌથી વધુ ચીનની વેકિસન હ્યૂમન ટ્રાયલમાં છે. મહત્વનું છે કે ચીનમાં ૫, બ્રિટનમાં ૨, અમેરિકામાં ૩, રૂસ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં ૧-૧ વેકિસન કિલનિકલ ટ્રાયલ ફેઝમાં છે.

(10:15 am IST)