મુખ્ય સમાચાર
News of Sunday, 15th July 2018

મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાંથી દેશી બોમ્બ મળ્યોઃ રૂરલ એસ.પી. અંતરિપ સૂદ અને બોમ્બ સ્કવોડ દોડી ગયા

સત્યા ટેકનોકાસ્ટ નામના કારખાનામાં સવારે કર્મચારીએ શંકાસ્પદ પદાર્થ જોતાં બહાર મુકી દઇ શેઠને અને પોલીસને જાણ કરીઃ બોમ્બ ડિફયુઝ કરવામાં આવ્યોઃ તપાસનો ધમધમાટ

રાજકોટઃ રાજકોટ જીલ્લાના લોધીકા તાબેના મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં. ૨માં આવેલી સત્યા ટેકનોકાસ્ટ નામના કારખાનામાંથી દેશી બનાવટના બોમ્બ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જાણ થતાં રૂરલ એસપી અંતરિપ સૂદ સહિતનો કાફલો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ  સાથે પહોંચ્યો હતો. ડિટોનેટર (કૂવામાં  વપરાતા લાલ ટેટા) સાથે વાયર બાંધેલો આ દેશી બનાવટનો બોમ્બ હતો. જેને બોમ્બ સ્કવોડે ખુલ્લા પટમાં લઇ જઇ ડિફયુઝ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે આ કારખાના કર્મચારી કારખાને આવ્યા ત્યારે કોથળીમાં કંઇક શંકાસ્પદ ટેટા જેવું દેખાતા તેણે ઉઠાવીને બહાર મુકી દીધુ હતું. બાદમાં કારખાનાના માલિક અને પોલીસને જાણ કરવામાં આવતાં રૂરલ એસપી શ્રી સૂદ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો કાફલો પહોંચ્યો હતો. બોમ્બ સાથે બેટરી જોઇન્ટ કરેલી નહોતી. બોમ્બ કોણે આ શા માટે મુકયો? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાંથી આ રીતે દેશી બોમ્બ મળતાં સમગ્ર એરિયામાં ચકચાર મચી ગઇ છે. બોમ્બ મળ્યાની વાતે સખીયા ઇન્ડસ્ટ્રીઝ પાસે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્વીરમાં દેશી બનાવટનો બોમ્બ અને તેને ડિફયુઝ કરવા માટે દુર ખુલ્લા મેદાનમાં લઇ જઇ કામગીરી શરૂ કરવામાં આવી તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:16 am IST)