મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

તામિલનાડુમાં દારૂની દુકાનો ખુલ્યા બાદ માત્ર એક જ દિવસમાં 164 કરોડનો દારૂ વેચાઇ ગયો

મદુરાઇ ક્ષેત્રમાં સૌથી વધુ 49.54 કરોડ ,ચેન્નાઇમાં 42.96 કરોડ ,સાલેમમાં 38.72 કરોડ અને ત્રિચિમાં 33.65 કરોડના દારૂનું વેચાણ: મદુરાઈમાં એક શખ્સ દારૂની શોપની બહાર દારૂની બોટલની પૂજા કરતો હોવાનો વિડિઓ વાયરલ

ચેન્નાઇ : તામિલનાડુ સરકારે મર્યાદિત સમય માટે 27 જિલ્લામાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કરતા લોકો દારૂ ખરીદવા ઉમટી પડયા હતા. અને, એક જ દિવસમાં તામિલનાડુમાં અધધધ કિંમતનો દારૂ વેચાયો છે.તામિલનાડુમાં દારૂની દુકાનો શરૂ થયાના બાદ માત્ર એક જ દિવસમાં 164 કરોડ રૂપિયાનો દારૂ વેચાઇ છે.

 આ દરમિયાન મદુરાઈમાં એક શખ્સ દારૂની શોપની બહાર દારૂની બોટલની પૂજા કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિએ દુકાનના પગથિયા પર માટીનો દીવો પ્રગટાવ્યો અને બોટલ ખરીદ્યા બાદ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું.

તામિલનાડુ સરકારે રાજ્યવ્યાપી લોકડાઉન 29 જૂન સુધી વધાર્યું છે. જોકે, રાજ્ય સરકારે મર્યાદિત સમય માટે 27 જિલ્લામાં તમિલનાડુ રાજ્ય માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દારૂની દુકાનો શરૂ કરી છે. સરકારના આદેશ બાદ દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે તમામ લોકો દારૂ ખરીદવા ત્યાં પહોંચ્યા હતા. આ લોકોમાંથી એક વ્યક્તિ શરાબની બોટલની પૂજા કરતો જોવા મળ્યો છે.જેને લઇને લોકોમાં ભારે અચરજ ફેલાયું છે

દારૂની દુકાનમાં હાજર કેટલાક લોકોએ આખી ઘટના નોંધી હતી. વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોરોના નિવારણ માટે લોકડાઉન અને પ્રતિબંધો અમલમાં આવ્યા ત્યારથી, દેશભરમાં દારૂ સાથે જોડાયેલી અનેક વિચિત્ર ઘટનાઓ સામે આવી છે. એપ્રિલની શરૂઆતમાં, દિલ્હીમાં દારૂ ખરીદવા માટે આવેલી એક વૃદ્ધ મહિલા ચર્ચાનો વિષય બની હતી. તેણે દારૂ અંગે જે કહ્યું તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગઈ.

તામિલનાડુની 5,338 દુકાનોમાંથી સોમવારે 2,900 ફરી ખુલી હતી આ દરમિયાન, મદુરાઇ ક્ષેત્રમાં સૌથી વધુ 49.54 કરોડ રૂપિયામાં દારૂ વેચાયો, ત્યારબાદ ચેન્નાઇમાં 42.96 કરોડ રૂપિયા, સાલેમમાં 38.72 કરોડ અને ત્રિચિમાં 33.65 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે.

(8:53 pm IST)