મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

નવા અભ્‍યાસના ચોંકાવનારા પરિણામો

રસી લેનાર કરતા સંક્રમિત થનાર લોકોની ઇમ્‍યુનીટી વધારે મજબૂત

સંક્રમણના એક વર્ષ સુધી રહે છે એન્‍ટીબોડી

નવી દિલ્‍હી, તા.૧૫: દેશમાં કોરોનાના કેસ પહેલાની સરખામણીમાં ઘટી ગયા છે. હવે કેન્‍દ્ર અને રાજય સરકારોનું સંપૂર્ણ ધ્‍યાન કોરોનાની રસી વધારેમાં વધારે મૂકાય તેના પર કેન્‍દ્રિત થયું છે. કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અત્‍યારથી શરૂ થઇ ગઇ છે અને સરકારનું ફોકસ એ વાત પર છે કે ત્રીજી લહેર આવે તે પહેલા વધુમાં વધુ લોકોને રસી આપી દેવાય. જો કે સવાલ એ છે કે કોરોનાની રસીની અસર કેટલા દિવસો સુધી રહેશે.

સોમવારે પ્રકાશિત એક અભ્‍યાસ અનુસાર, કોરોના સંક્રમણથી સાજા થનારા લોકોમાં એન્‍ટીબોડી અને ઇમ્‍યુન મેમરી ૬ મહિનાથી એક વર્ષ સુધી રહે છે અને રસીકરણથી તેઓ વધારે સુરક્ષિત બની જાય છે. રોકફેલર યુનિવર્સિટી અને ન્‍યુયોર્કમાં વેઇલ કોર્નેલ મેડીસીનની એક ટીમના નેતૃત્‍વમાં રીસર્ચરોનો આ નિષ્‍કર્ષ સોમવારે પ્રકાશિત થયો હતો. તેનાથી જાણવા મળ્‍યું છે કે Sars-cov-2ની ઇમ્‍યુનીટી લાંબી  હોય શકે છે.

રિસર્ચરોએ ૬૩ લોકોનો અભ્‍યાસ કર્યો જેમને સંક્રમણમાંથી સાજા થયાને ૧.૩ મહિના, ૬ મહિના અને ૧૨ મહિના થઇ ગયા હતા. તેમાંથી ૨૬ લોકોને ફાઇઝરનો એક ડોઝ મળી ચૂકયો હતો. રીપોર્ટમાં કહેવાયું છે કે જે લોકોને રસી મળી હતી તેના પરિણામો જોરદાર છે. તેઓ વાયરસને બેઅસર કરી દે છે. તેમનામાં એન્‍ટીબોડી એટલી વધી રહી છે કે કોરોનાના ગંભીર વેરીયન્‍ટને પણ હરાવી દે છે. નેચરલ ઇન્‍ફેકશન સાથે ઇમ્‍યૂન રીસ્‍પોંસ અવિશ્‍વસનીય રીતે ૧૨ મહિના સુધી ચાલે છે. તો રસીકરણ પછી પ્રતિરક્ષા પ્રતિક્રિયા બહુ મજબૂત બની જાય છે.

(11:55 am IST)